Site icon Revoi.in

ત્રાસવાદીઓના નિશાના ઉપર ગુજરાત, દિલ્હીમાંથી ઝડપાયેલા આતંકીઓની તપાસમાં ઘટસ્ફોટ

Social Share

અમદાવાદઃ દિલ્હીમાંથી આઈએસઆઈએસના આતંકવાદીની એનઆઈએ દ્વારા ધરપકડ કરાયા બાદ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસા થયાં છે. આતંકીઓની પૂછપરછમાં ગુજરાતમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર રચાયુ ઘટસ્ફોટ થયો છે. એટલુ જ નહીં આતંકવાદીઓએ ગુજરાતના શહેરોમાં રેકી કરી હોવાનું સામે આવ્યુ છે. આરોપી 26/11થી પણ ભયાનક હુમલાની ફિરાકમાં હોવાનું સામે આવ્યુ છે. આતંકવાદીઓના નિશાના ઉપર હિન્દુ ધર્મના ધાર્મિક સ્થળોની સાથે હિન્દુઓ નેતા હોવાનું જાણવા મળે છે. તેમજ હિન્દુ નેતાઓની યાદી પણ તૈયાર કરી હતી. આતંકીએ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગરમાં મોટા નેતાઓની રેકી કર્યાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીમાંથી એનઆઈએએ આઈએસઆઈએસના કુખ્યાત આતંકી શાહનવાઝની ધરપકડ કરીને આગવી ઢબે પૂછપરછ આરંભી છે. ગુજરાતમાં આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચવામાં આવ્યાનું ખૂલ્યું હતું. સુરક્ષા એજન્સીઓની તપાસમાં અક્ષરધામ બ્લાસ્ટ કેસના માસ્ટર માઇન્ડ ફરતુલ્લાહ ઘોરીની સંડોવણીનો પર્દાફાશ થયો છે. મુખ્ય સૂત્રધાર ઘોરી પાકિસ્તાનથી જેહાદના ક્લાસ ચલાવતો હતો. ભારતમાં ISIS મોડ્યૂલને પાકિસ્તાનથી ઓપરેટ કરવામાં આવતું હતું. આતંકી ઘોરીએ શાહનવાઝને બ્લાસ્ટ કરવા અંગે તાલીમ આપી હતી. ઘોરીનો આતંકી તાલીમ આપતો વીડિયો પણ સામે આવ્યો હતો. ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા આતંકવાજીની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે જેમાં હજુ ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. તેમજ સુરક્ષા એજન્સીઓએ શાહનવાઝના અન્ય સાગરિતોને ઝડપી લેવા માટે કવાયત હાથ ધરી છે.

દુનિયાની સામે પોતાના ગુનાઓ છુપાવવા માટે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIનું એક નવું કૃત્ય સામે આવ્યું છે. ISI ભારતમાં યુવાનોને ગેરમાર્ગે દોરીને ISISના નામે આતંકવાદી સંગઠનોમાં ભરતી કરી રહી છે. જો આ આતંકવાદીઓ પકડાશે તો આઈએસઆઈની જગ્યાએ આઈએસઆઈએસનું નામ આપ્યું હોવાનું જાણવા મળે છે. દિલ્હી પોલીસના અધિકારીઓનું કહેવું છે કે જેતપુર સ્થિત મો. શાહનવાઝ આલમના ઠેકાણામાંથી કેમિકલ મળી આવ્યા છે, જેનો ઉપયોગ ગનપાઉડરને મજબૂત કરવા માટે થાય છે. આરોપી આ કેમિકલ ક્યાંથી લાવ્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.