ભારતમાં મહિલા શ્રમ દળની ભાગીદારીમાં નોંધપાત્ર વધારો, દર વધીને 37 ટકા થયો
નવી દિલ્હીઃ આ વર્ષે દેશમાં મહિલા શ્રમ દળની ભાગીદારી દર 4.2% વધીને 37% થઈ ગયો છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે તેના સામયિક લેબર ફોર્સ સર્વે રિપોર્ટ 2022-23 માટે જાહેર કરેલા ડેટામાં આ માહિતી આપી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કહ્યું છે કે; મહિલા શ્રમ દળમાં નોંધપાત્ર ઉછાળો સરકારની નીતિ પહેલને કારણે આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય મહિલાઓના લાંબા ગાળાના સામાજિક, આર્થિક અને રાજકીય વિકાસને હાંસલ કરવાનો છે.
દેશમાં મહિલાઓ સશક્ત બને તે દિશામાં મોદી સરકાર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ દેશમાં મહિલાઓ હવે તમામ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં ભાગીદારી રહી છે. મંત્રાલય દ્વારા શેર કરાયેલા ડેટા અનુસાર, 2018-19માં મહિલા શ્રમ દળની ભાગીદારીનો દર 24.5 ટકા હતો, જે 2017-18માં 23.3 ટકા હતો. જ્યારે વર્ષ 2019-20માં 30 ટકા હતો અને 2020-21માં વધીને 32.5 ટકા થયો છે. 2021-22માં 32.8 ટકા હતો અને 2023માં 4.2 ટકા વધીને 37.0 ટકા થયો છે.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ વધારો મહિલાઓના લાંબા ગાળાના સામાજિક-આર્થિક અને રાજકીય વિકાસને ધ્યાનમાં રાખીને નીતિગત પહેલ દ્વારા મહિલા સશક્તિકરણની ખાતરી કરવા માટેના સરકારના નિર્ણાયક કાર્યક્રમનું પરિણામ છે. સરકારની પહેલ મહિલાઓના જીવનના દરેક પાસાને સ્પર્શે છે, જેમાં કન્યા શિક્ષણ, કૌશલ્ય વિકાસ, ઉદ્યોગસાહસિકતાની સુવિધા અને કાર્યસ્થળ પર સલામતી વગેરેનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રોમાં નીતિઓ અને કાયદાઓ સરકારના મહિલા આગેવાની વિકાસ એજન્ડાને આગળ ધપાવે છે.