અમદાવાદઃ લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના 149 સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ગુજરાતભરમાં ધરણા સાથે વિરોધના કાર્યક્રમો યોજાયા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન સુરત, ભાવનગરના શિહોર, ગાંધીનગર, બોટાદ, ભરૂચ, તાપી સહિત શહેરોમાં કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. અને બળજબરી પૂર્વક કોંગ્રેસના કાર્યકરોને શાંતિપૂર્વક ધરણા પ્રદર્શનને અટકાવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્યમાં ધરણા – પ્રદર્શનમાં મોટા પાયે લોકતંત્ર બચાવો – સંવિધાન બચાવો – લોકશાહીની હત્યા અટકાવો – ભાજપ તારી તાનાશાહી નહિ ચલેગી સહીતના સુત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો જોડાયા હતા
અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, લોકતંત્ર બચાવો – સંવિધાન બચાવો ધરણા દેશહિતમાં સમગ્ર દેશમાં યોજાઈ રહ્યા છે. મોંઘવારી – બેરોજગારી આસમાને છે. સામાન્ય માણસની જીંદગી સતત મુશ્કેલી ભર્યું બનતું જાય છે. સંસદમાં સુરક્ષા ચૂક થાય છે. તે અંગે સત્તાધારી પક્ષ જવાબ આપવાને બદલે પ્રશ્ન પૂછનાર કોંગ્રેસ પક્ષ સહિતના સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા જે સંપૂર્ણ પણે ગેર લોકતાંત્રિક કાર્યવાહીથી દેશવ્યાપી આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે લોકતંત્ર બચાવો – સંવિધાન બચાવો નારા સાથે કોંગ્રેસ પક્ષ દેશહિતમાં લડાઈ લડી રહ્યું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કોર સમિતિના સભ્ય – પૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડૉ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, એ.આઈ.સી.સી.ના પ્રવક્તા રોહન ગુપ્તા, મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષદોશી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને શહેર સંગઠન પ્રભારી બિમલ શાહ, પ્રદેશ હોદ્દેદાર પંકજ શાહ, ગીતાબેન પટેલ, અમદાવાદ મ્યુ.કોર્પોરેશન કોંગ્રેસ પક્ષના નેતા શહેજાદખાન પઠાણ, સુરેન્દ્ર બક્ષી, ઇકબાલ શેખ, સી.એમ. રાજપૂત, નઈમ મિર્જા, મહિલા કોંગ્રેસ પ્રમુખ કામીનીબેન સોની, યુવક કોંગ્રેસના પ્રમુખ વિશાલ ગુર્જર, એન.એસ.યુ.આઈ. પ્રમુખ આસિફ પાવર સહિતના પદાધિકારીઓ, કાર્યકરો – આગેવાનો, ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેન્દ્ર સરકારની તાનાશાહી સામે મોટા પાયે સુત્રોચ્ચાર કર્યા હતા.