સુરતઃ સુરતમાં ટેક્સટાઈલ ઉદ્યોગ ડાયમન્ડ ઉદ્યોગની જેમ અનેકને રોજગારી આપી રહ્યા છે. જેમાં એમ્બ્રોઇડરી જોબવર્ક કરતાં કારખાના છે. ઉપરાંત ઘણાબધા લોકો પોતાના ઘરે પણ નાના મશીનો દ્વારા જોબવર્ક કરતા હોય છે. હાલ એબ્રોઈડરીમાં વ્યાપક મંદી ચાલી રહી છે. કારખાનેદારોના સરેરાશ 20-25 ટકા મશીનો બંધ થયા છે. કારખાનેદારો જોબવર્ક લેતાં પહેલા પેમેન્ટ કેટલા દિવસે આપશે તે નક્કી કરી લેતા હોય છે. જેમાં એડવાન્સ પેમેન્ટ કે ક્રેડિટ મેળવીને જ ઓર્ડર લેવામાં આવી રહ્યા છે. એમ્બ્રોઇડરી મશીનો પર કામ કરતા અંદાજે એક લાખથી વધુ લોકો બેરોજગાર થતાં કામદારો નાની-મોટી મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. એબ્રોઈડરી મશીન પર કામ કરનારા કારીગરો, હેલ્પરો, વેપારીઓ, દોરા-ઘાગા કટીંગનું કામ કરનારાનો સમાવેશ થાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના એમ્બ્રોઈડરી ઉદ્યોગમાં હાલ મંદી ચાલી રહી છે. બહારથી આવતા ઓર્ડરમાં ઘટાડો થયો છે. વેપારીઓ એવું કહી રહ્યા છે. કે, બદલાતી જતી ફેશનને લઈને હવે પ્રિન્ટ ફેશન અને સિમ્પલ કાપડની ફેશન આવતા એબ્રોઈડરીની માંગ ઘટી છે. પહેલા આખા કપડા પણ એબ્રોઈડરી વર્ક કરવામાં આવતું હતું અને તેનું વેચાણ પણ સારા પ્રમાણમાં થતું હતું પરંતુ હવે તેની માંગ ઘટી છે. આ ઉપરાંત જ્યારે માંગ વધારે હતી ત્યારે મોટા પ્રમાણમાં લોકોએ એબ્રોઈડરી મશીનરી શરૂ કરી હતી જેથી માંગ કરતા વધારે એમ્રોડરી કરી કાપડનું ઉત્પાદન કરી લેવાતું હતું અને ઉત્પાદનની સામે તેનો વેચાણ ન થતા આ ઉદ્યોગમાં મંદી આવી હતી. કામગીરી ઓછી થતાં મહિલાઓની રોજગારીમાં ઘટાડો થયો છે. મહિલાઓના કામકાજમાં ઘાગા-કટીંગનું કામ ઓછુ થતા આર્થિક મુશ્કેલીઓ ઉભી થઇ છે. જયારે કામકાજ જ નથી તો કારખાનેદારો ભારે ભીંસમાં મુકાયા છે. આ સંજોગોમાં ઉદ્યોગ ક્યારે ઐતિહાસિક મંદીમાંથી બહાર નીકળશે તે કહેવું મુશ્કેલ છે.