સુરત: ગુજરાતનો હીરા ઉદ્યોગ અનેક પરિવારોને રોજગારી આપી રહ્યો છે. જેમાં સુરત શહેર હીરા ઉદ્યોગ માટેનું મુખ્ય મથક ગણાય છે. હીરા ઉદ્યોગમાં ચડતી-પડતી, યાને તેજી-મંદી તો આવ્યા જ કરતા હોય છે. પરંતુ આ વખતે યુક્રેન-રશિયાના યુદ્ધ તેમજ વૈશ્વિક માગમાં ઘટાડાને કારણે હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી વ્યાપક મંદીનો સામનો કરી રહ્યો છે. તેથી સુરતના રત્ન કલાકારોને હાલ તો પખવાડિયાનું ઉનાળું વેકેશન આપવામાં આવ્યું છે. પરંતુ આ વેકેશન લંબાવવામાં આવે તેવું હાલ લાગી રહ્યું છે.
સુરતના હીરા ઉદ્યોગની ચમક દિવસેને દિવસે ફિકી થઈ રહી છે. સતત માલની આવક પરંતુ જાવક ન થવાને કારણે આ હીરા ઉદ્યોગ જાણે મંદીમાંથી પસાર થઇ રહ્યુ છે. હાલ હીરાના કારખાના માલિકો દ્વારા 15 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ નાના કારીગરોનું વેકેશન લંબાઇ પણ શકે છે. આ ઉદ્યોગની ચમક ટૂંક સમયમાં પાછી આવે તેવી આશા સાથે ઉદ્યોગમાં વેકેશન હોવાને લઈને કારીગરોને એક બાજુ છૂટા કરવામાં આવી રહ્યા છે. તો બીજી બાજુ રજાનો પગાર પણ કાપવામાં આવી રહ્યો છે, જેને લઇને કારીગરોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે
સુરત શહેરને ડાયમંડ સિટી તરીકે ઓળખાવામાં આવે છે. કારણ કે, દેશમાં બનતા ડાયમંડના 90 ટકા ડાયમંડ કટ અને પોલિસીંગનું કામ સુરતમાં થાય છે પણ આ ઉદ્યોગને જાણે મદીનું ગ્રહણ લાગ્યું છે. શહેરમાં આવેલા મોટા પ્રમાણમાં ડાયમંડના કારખાના મદીમાંથી પસાર થતા હોવાને લઈને ઉનાળાનું 15 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. જો કે, નાના કારખાનાઓ પંદર દિવસ કરતાં વધુ રજા પાડે તેવી શક્યતાઓ છે. તેની પાછળ અનેક કારણો જવાબદાર છે. નાના કારખાનાઓ પાસે જોબ વર્ક કરતા હોવાને લઈને રફ મટીરીયલ નથી. ત્યારે મોટા કારખાના પાસે રફ મટીરીયલનો મોટા પ્રમાણમાં લઈને કામકાજ બંધ કરવામાં આવ્યું છે. એક બાજુ રશિયા અને યુક્રેનના યુદ્ધને લઈને રો મટિરિઅલ આવતું બંધ થઇ ગયુ છે. ત્યારે બીજી બાજુ અમેરિકા અને ચાઇનાના સંબંધોના વિવાદને લઈને ઘરાકી જોવા મળી રહી નથી. ત્યારે આ ઉદ્યોગમાં લેબ્રોન ડાયમંડનો મોટા પ્રમાણમાં ઉદ્યોગનો વિકાસ શરૂ થયો છે. જેને લઈને નેચરલ ડાયમંડના વેપાર પર મોટી અસર જોવા મળી રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા મહિનાઓથી હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે. હવે નાના કારખાનેદારોને ટકવું મુશ્કેલ બની રહ્યું છે. તેથી હાલ કારખાનેદારોએ રત્નકાલાકારોને 15 દિવસનું વેકેશન આપ્યું છે, પણ સાથે એવી પણ સુચના આપી છે. કે, અમારા તરફથી ફોન આવ્યા બાદ સુરત આવજો, ત્યાં સુધી ગામડે રહેજો,નાના કારખાનેદારોએ બે દિવસ પહેલાથી જ રજાઓ જાહેર કરી દીધી છે અને કારીગરો વતન તરફ રવાના થઈ રહ્યા છે. ત્યારે બીજી બાજુ કેટલા કારખાનામાંથી તો કારીગરોને હાલ પૂરતી રજા આપી દેવામાં આવી છે અને જે વેકેશન હોય જે વેકેશનનો પગાર પણ આપવાની તૈયારી કારખાનાના માલિકો દ્વારા બતાવવામાં નથી આવી. જેને લઇને હીરા ઘસવાનું કામ કરતા કારીગરોની હાલત કફોડી બની છે. (file photo)