પ્લાસ્ટિક ઉદ્યોગમાં મંદીની મોકાણ, ચાઈના અને કોરિયા સામેની સ્પર્ધામાં વેપારીઓ હાંફી ગયાં
ભાવનગર: ગુજરાતમાં પ્લાસ્ટિક ઉદ્યોગોમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો દોર ચાલી રહ્યો છે. કોરિયા અને ચાઈના સામે ગુજરાતના પ્લાસ્ટિક ટક્કર લેવામાં અસમર્થ બનતા જાય છે. કારણે કે, ચાઈના અને કોરિયાની ચિજ-વસ્તુઓનું કાચા માલ જેટલી કિંમતે વેચાણ થતું હોવાથી સ્પર્ધામાં ટકી રહેવું મુશ્કેલ છે. એટલે કોરિયા અને ચાઈનાથી આયાત થતાં માલ પર કસ્ટમ ડ્યુટી વધારવામાં આવે તો જ ગુજરાતનો પ્લાસ્ટિક ઉદ્યોગ ટકી શકે તેમ છે. એવો ઉદ્યોગકારો મત વ્યક્ત કરી રહ્યા છે.
ભાવનગર જિલ્લાના મોટા ઉદ્યોગો પૈકીનો ત્રીજા નંબરનો પ્લાસ્ટિક ઉદ્યોગ મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે, હજારો શ્રમિકોને રોજગારી આપતા પ્લાસ્ટિક ઉદ્યોગને ટકાવી રાખવા માટે ચાઇના અને કોરિયાથી આવતા માલ પર કસ્ટમ ડ્યુટી વધારવામાં આવે તો આ ઉદ્યોગને બળ મળી શકે એમ છે. ભાવનગરમાં 1250 થી વધુ નાના મોટા પ્લાસ્ટિકના કારખાના આવેલા છે, પરંતુ મંદીના કારણે મોટાભાગના કારખાનેદારોએ 50 ટકા જેટલું ઉત્પાદન ઘટાડી નાખ્યું છે. અમુક કારખાનેદારોએ તો સપ્તાહમાં ત્રણ દિવસ કામકાજ બંધ રાખવાનું શરૂ કરતાં તેના પર નભતા શ્રમિકો કફોડી સ્થિતિમાં મુકાયા છે.
ભાવનગર જિલ્લામાં મુખ્યત્વે અલંગ, હીરા અને પ્લાસ્ટિક એમ ત્રણ મોટા ઉદ્યોગો આવેલાં છે, જિલ્લામાં 1250 થી વધુ નાના મોટા પ્લાસ્ટિકના કારખાના આવેલા છે, તેમજ પ્લાસ્ટિક ઉદ્યોગને લગતી મશીનરી બનાવવા માટેના 15 જેટલા યુનિટો આવેલા છે, જે મશીનરીની વિશ્વભરમાં નિકાસ કરવામાં આવે છે, આ પ્લાસ્ટિક ઉદ્યોગમાં મુખ્યત્વે મોનો ફિલાયાર્ન, દોરી, દોરડા, ટ્વાન, ફિશીંગ નેટ, પાટી અને કાપડ સહિતની વસ્તુઓ બનાવવામાં આવે છે, જેના કારણે આ ઉદ્યોગ પર જિલ્લામાં 25000 કરતા વધારે પરિવારનું ગુજરાન ચાલે છે, પરંતુ હાલ ઉત્પાદન સામે ડિમાન્ડ ઘટવાના કારણે ત્રણ મુખ્ય ઉદ્યોગો પૈકીનો એક એવો પ્લાસ્ટિક ઉદ્યોગ મંદીના માહોલ વચ્ચેથી પસાર થઈ રહ્યો છે, કોરિયા, ચાઇનામાથી આવતા સસ્તા માલ સામે અહી કાચા માલની કિંમતો પણ વધારે હોય આ ઉદ્યોગને ટકવું મુશ્કેલ બન્યું છે. બીજીબાજુ ઉત્પાદન સામે ડિમાન્ડ પણ ઘટી રહી છે, હાલ પ્લાસ્ટિકના દોરડા, પ્લાસ્ટિકના કાપડ સહિત વિદેશોમાંથી આયાત વધી છે, તેમજ પાટી અને ફિશીંગ નેટના નિકાસમાં ઓટ આવી છે. વિદેશી માલ મોંઘો થશે તો જ સ્વદેશી માલ વેચાતા ઉદ્યોગ અને રોજગારી ટકી રહેશે. હાલ 25 હજારથી વધુ લોકોને રોજગારી આપતા પ્લાસ્ટિક ઉદ્યોગમાં મંદીના કારણે અનેક કારખાના બંધ થઈ ગયા છે. ઉત્પાદનમાં પણ 25 થી 50 ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. તેમજ ઉત્પાદકોએ સપ્તાહમાં 2 થી 3 દિવસ રજા રાખવાની શરૂઆત કરી દીધી છે, પ્લાસ્ટિક ઉદ્યોગને ટકાવી રાખવા કારખાનેદારો પણ અસ્તિત્વનો જંગ લડતા જોવા મળી રહ્યા છે, મંદીના કારણે ઉત્પાદનમાં ઘટાડો થતાં કારખાનામાં કારીગરો નો પણ ઘટાડો કરવામાં આવ્યો છે પરંતુ વર્ષથી સાથે કામ કરતા કારીગરોના પરિવારનું ગુજરાન ચાલે અને રોજગારી મળી રહે એ માટે નહિ નફો, નહિ નુકશાન ના ધોરણે ઓછા ઉત્પાદન સાથે પણ કારખાના ચાલુ રાખી રહ્યા હોવાનું વેપારીઓ કહી રહ્યા છે. (file photo)