Site icon Revoi.in

અમદાવાદના દરેક વોર્ડમાં એક સ્માર્ટ સ્કુલ બનાવાશે, સ્કુલ બોર્ડે લીધો નિર્ણય

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કાળ બાદ ઘણાબધા વાલીઓનો ખાનગી શાળાઓમાં પોતાના બાળકોનો પ્રવેશનો મોહભંગ થતા હવે વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિ,કોર્પોરેશન હસ્તકની સ્કુલ બોર્ડે તમામ વોર્ડમાં એક સ્માર્ટ શાળા શરૂ કરવાનો નિર્ણય લીધો છે.  મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની નવી ચૂંટાયેલી કમિટીની  પ્રથમ બેઠક મળી હતી. જેમાં આગામી શૈક્ષણિક સત્ર પહેલા શહેરના તમામ વોર્ડમાં એક સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં શહેરમાં કુલ 10 જેટલી સ્માર્ટ સ્કૂલો આવેલી છે. જે વોર્ડમાં સ્માર્ટ સ્કૂલો નથી એવા તમામ બાકીના વોર્ડમાં સ્કુલ બનાવી વિદ્યાર્થીઓ વધુ સ્માર્ટ અને ટેકનોલોજીના માધ્યમથી અભ્યાસ કરે તેવુ આયોજન કરવાનો નિર્ણય લેવાયો છે.

દિલ્હીમાં જે રીતે કેજરીવાલ સરકાર શિક્ષણ પર ભાર આપીને સ્માર્ટ સ્કૂલો બનાવી રહી છે, તેને જોતા ગુજરાતમાં પણ ભાજપ દ્વારા આ પ્રકારની સ્કૂલો તૈયાર કરાઈ રહી છે. જેમાં સમગ્ર અમદાવાદ શહેરમાં ભાજપ શાસિત AMC દ્વારા સ્માર્ટ સ્કૂલ બનાવવાનો નિર્ણય લેવાયો છે. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ ચેરમેન સુજય મહેતાએ જણાવ્યું હતું કે, શહેરમાં કુલ 51 જેટલી સ્માર્ટ સ્કૂલો બનાવવાનું આયોજન છે. દરેક વોર્ડમાં સ્માર્ટ સ્કૂલ બને અને વિદ્યાર્થીઓ વધુ સારું શિક્ષણ મેળવે તે હેતુથી આ સ્કૂલો ઝડપથી બને તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે. આગામી સત્ર સુધીમાં આ સ્કૂલો બને તે રીતે અમે પ્રયત્નો કરીશું.

મ્યુનિ.સ્કુલ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લા પંચાયત, દસક્રોઈ તાલુકા અને ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તક આવેલી 103 સ્કૂલો જે હવે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં ભળી ગઈ છે. તેમાં સમાવિષ્ટ ચાંદખેડાની લક્ષ્મીનગર પ્રાથમિક શાળા અને રાણીપના રોનક બજારમાં આવેલી રાણીપ શાળા નંબર 8નું મકાન ભાડે રાખવામાં આવ્યું હતું જેનું કુલ ભાડું રૂ. 35545 હવે કોર્પોરેશનને ચૂકવવાનું થાય છે, જેથી આજે કમિટીમાં આ બે સ્કૂલોને નજીકના કોર્પોરેશનની સ્કૂલમાં સમાવિષ્ટ કરવા અથવા કોર્પોરેશનની બિલ્ડીંગમાં ટ્રાન્સફર કરવા અંગે વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્કૂલ બોર્ડની બેઠકમાં વિવિધ એજન્ડાઓ જેવા કે સ્કૂલોમાં પેવર બ્લોક નાખવાની કામગીરી પૂર્ણ થતાં કોન્ટ્રાકટરને પેમેન્ટ, સ્કૂલોના ઉદ્ઘાટનમાં થયેલા 20 લાખથી વધુનો ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના 45 જેટલા શિક્ષકો અને કર્મચારીઓ માટે 1 કરોડ રૂપિયા મેડીક્લેમ સંદર્ભે મંજૂર કરવામાં આવ્યા હતા. SVP હોસ્પિટલના RMO દ્વારા મંજૂર કરાયેલા બિલો આજે મળેલી સામાન્ય સભામાં મંજૂર કરાયા હતા. સ્કૂલ બોર્ડની બેઠકમાં કોંગ્રેસના એક માત્ર કિરણ ઓઝા સભ્ય છે પરંતુ તેઓએ એકપણ કામનો વિરોધ કર્યો ન હતો અને ભાજપના જ સભ્યની જેમ તેઓએ કામ મંજૂર કરવામાં સાથ આપ્યો હતો.