ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો ત્યારે સરકારે બાળકોને વેક્સિનેશન માટે ખાસ આયોજન કર્યું છે. ગુજરાત સરકારે 15થી18 વર્ષના સગીરોને વેકસીન આપવા કાર્યક્રમ જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારે પણ ગુજરાતને પુરતો વેકસીનનો જથ્થો ફાળવી રહી છે.
રાજયના કેબીનેટ પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા.7 જાન્યુઆરીએ 15થી18 વર્ષના સગીરો માટે રાજયભરમાં કોરોના રસીકરણની સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે તે માટે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાના સહયોગથી 20 લાખ જેટલા વેકસીનના ડોઝ ગુજરાતને પ્રાપ્ત થશે. રાજયના 30થી32 લાખ બાળકો 15થી18 વર્ષની વયના હોવાનો અંદાજ છે. તે તમામને રસીકરણ દ્વારા સુરક્ષિત કરવામાં આવશે. એટલું જ નહી. 15થી18 વર્ષના સગીરોને આઈડેન્ટીફાઈ કરવા માટે ખાસ એકશન પ્લાન બનાવી ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનમાં આગળ વધવા જણાવાયું છે. તે ઉપરાંત કોરોનાના કેસો પર નિયંત્રણ લાવવા ટેસ્ટીંગ અને કોન્ટેકટ ટ્રેસીંગ વધારવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. આરોગ્ય અને ગૃહ વિભાગ સાથે મળીને સમગ્ર સ્થિતિનું મોનીટરીંગ કરશે અને રાજયના નાગરિકોને કોરોનાથી સુરક્ષિત રાખવા તમામ જરૂરી પગલા લેવાશે.
દરમિયાન રાજ્ય શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે, 15થી 18 વર્ષની વયમાં 9થી 12ના ધોરણના વિદ્યાર્થીઓ ગણાય છે. જૂન મહિનાથી 9થી 12માં ઓફલાઇન શિક્ષણ શરૂ કારવામાં આવ્યું છે. ગુજરાતમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ ચાલે જ છે, જેમાં 1થી 12 ધોરણના બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે. તો બાળકોને વેક્સિન આપવાનું આ કાર્યક્રમમાં જ સાંકળી લેવામાં આવે તો બંને કામ સાથે થઈ જશે. શાળામાં જ વેક્સિન આપવામાં આવે તો વિદ્યાર્થીઓનો સમય બચી જશે, શિક્ષણ કાર્યનો સમય બચી જશે. એક જ જગ્યાએ સામૂહિક વેક્સિનેશન થશે, જેનાથી ખૂબ જ ટૂંક સમયમાં વેક્સિન આપવાનો ટાર્ગેટ પૂરો થશે.