ગાંધીનગરઃ રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજ્યભરમાં મતદારયાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત આગામી તારીખ 26 નવેમ્બરને રવિવારના રોજ ખાસ ઝૂંબેશ હાથ ધરાશે. મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરના તમામ મતદાન મથકો પર સવારે 10.00થી સાંજે 05.00 વાગ્યા દરમિયાન મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી શકાશે. સાથે જ મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા અને નામ કમી કરાવવા ફોર્મ પણ ભરી શકાશે.
ગુજરાતમાં મતદાર યાદી સુધારણા માટે કેટલાક બુથ નક્કી કરવામાં આવ્યા છે. મતદારો પોતાના નામ અંગે મતદાર યાદીમાં તપાસ કરી શકશે. ઉપરાંત નામ કમી, અને સુધારા વધારા માટે સ્થળ પર ફોર્મ ભરી શકશે. લોકસભાની આગામી ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તારીખ 01લી જાન્યુઆરી, 2024ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનારા મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતી દ્વારા રાજ્યના તમામ મતદારોને મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી લેવા તેમજ પાત્રતા ધરાવતા નાગરિકોને મતદારયાદીમાં નામ નોંધાવવા જાહેર અપીલ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાત્રતા ધરાવતા યુવાનો અને તેનાથી વધુ વયજૂથ ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગે તેમજ મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચના Voter Helpline App અને http://voters.eci.gov.in/ ઉપર ઑનલાઈન પણ ફોર્મ ભરી શકશે.