નવી દિલ્હીઃ 1947 પછી પ્રથમવાર જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના ટીટવાલ ગામમાં એસઓસી પાસે શારદા દેવી મંદિરમાં નવરાત્રિ પુજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક આયોજનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. હમ્પીના સ્વામી ગોવિંદાનંદ સરસ્વતી પોતાના અનુયાપિયો સાથે કર્ણાટકથી ભગવાન હનુમાનજીના જન્મસ્થળ કિષ્કિંધાથી રથયાત્રા લઈને ટીટવાલ પહોંચ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતો પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત કાશ્મીર ફાઈલ્સમાં અભિયન કરનારા જાણીતા કલાકાર એ.કે.રૈના પણ ઉપસ્થિત રહ્યાં હતા.
ટીટવાલ ગામમાં મંદિર અને ગુરુદ્વારાને વર્ષ 1947માં કબાયલી હુમલાખોરોએ નુકશાન પહોંચાડ્યું હતું. અહીં જુના મંદિરની જેવુ જ મંદિર અને ગુરુદ્વારા બનાવવામાં આવ્યું છે. આ શારદા મંદિરનું ઉદ્ઘાટન તા. 23મી માર્ચના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કર્યો હતો. શારદાનું પ્રાચીમ મંદિર 18 મહાશક્તિ પીઠ પૈકીનું એક છે અને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરની નીલમ ઘાટીમાં સ્થિત છે. આ મંદિર હિન્દુ દેવી માં શારદાને સમર્પિત છે, જેમને જ્ઞાન અને બુદ્ધિની દેવી સરસ્વતીજીનો અવતાર માનવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર, મંદિરના નિર્માણ મૂળ રૂપે પાંડવોએ અહીં પોતાના રોકાણ વખતે કર્યું હતું. એવુ પણ માનવામાં આવે છે કે, 8મી સદીમાં અહીં શાસન કરતા રાજા લલિતાદિત્ય મુક્તપીડએ અહીં મંદિરનો જીર્ણોદ્વાર કર્યો હતો. મા શારદા દેવીજીનું મંદિર હિન્દુઓમાં વિશેષ કાશ્મીરી પંડિતોમાં ખાસ મહત્વ ધરાવે છે. દેશના વિવિધ વિસ્તારમાં રહેતા શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે આવે છે. આ સ્થળ ઉપર મા સતીનો જમણો હાથ પડ્યો હતો.