Site icon Revoi.in

રાજકોટ શહેરમાં ગરમીને લીધે લૂ લાગવાના કેસ વધતા સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ ઊભો કરાયો

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી તામપાનમાં વધારો થતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. અસહ્ય ગરમીને લીધે લૂ લાગવાના કેસ પણ વધી રહ્યા છે. હજુ તો દોઢ મહિનો અસહ્ય ગરમીનો કાઢવાનો બાકી છે. ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ વોર્ડ ઊભો કરાયો છે. ડૉક્ટર્સ અને પેરા મેડિકલ સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો છે. જોકે, સદનસીબે હજુ સુધી આ વોર્ડમાં કોઈને દાખલ કરવાની જરૂર પડી નથી.

રાજકોટ શહેરમાં બુધવારે તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી ગયો હતો. છેલ્લા બે-ત્રણ દિવસથી લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. શહેરમાં  લૂ લાગવાના બનાવો વધતા શહેરના સિવિલ હોસ્પિટલનું તંત્ર એલર્ટ બન્યું છે. સિવિલ હોસ્પિટલ દ્વારા અલગથી 25 બેડનો વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. જેમાં ડોક્ટરની સાથે જ પેરા મેડિકલ સ્ટાફ પણ તૈનાત કરવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી કોઈપણ દર્દીને આ વોર્ડમાં એડમિટ કરવાની જરૂર પડી નથી. છતાં ગરમીમાં વધારો થવાની શક્યતા હોવાથી સિવિલ અધિક્ષક દ્વારા અલગ વોર્ડ ઊભો કરવાની સાથે લોકો માટે કેટલાક મહત્વના સૂચનો આપવામાં આવ્યા છે.

રાજકોટની સિવિલ અધિક્ષકના કહેવા મુજબ, સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ હોવાને લીધે બહારગામથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય  છે. જેથી દર્દીઓ અને તેની સાથે આવેલા લોકોને ગરમીને કારણે કોઈ મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. સાથે જ લૂ લાગવાના તેમજ હીટસ્ટ્રોકનાં બનાવો માટે PMSSY  બિલ્ડિંગ ખાતે 25 બેડનો ખાસ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. આ વોર્ડ માટે ખાસ ડૉક્ટર્સ અને પેરા મેડિકલ સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો છે. ગરમીમાં વધારો થતાં સામાન્ય રીતે લુ લાગવાના અને હીટસ્ટ્રોક તેમજ ડિહાઇડ્રેશન થવાના બનાવોમાં વધારો થતો હોય છે. આવા બનાવો થોડી સાવધાની રાખવાથી રોકી શકાય છે. ત્યારે લોકોએ પણ સાવચેત રહેવું જરૂરી છે. જેમાં સવારે 10થી સાંજે 5 સુધી ગરમીના સમયમાં વૃદ્ધો, બાળકો અને સગર્ભાઓએ કામ સિવાય બહાર નીકળવું જોઈએ નહીં. તેમજ બહારના ઠંડા-પીણાથી દુર રહેવુ અને બહારનો ખોરાક લેવાનું ટાળવું જરૂરી છે.