Site icon Revoi.in

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં નવા પાણીની સતત આવક, સિઝનમાં પ્રથમવાર દરવાજા ખોલાશે

Social Share

અમદાવાદઃ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે  ઇન્દિરાસાગર ડેમના 12 ગેટ 10 મીટર ખોલાયા અને પાવરહાઉસના 8 યુનિટમાંથી કુલ 9.89 લાખ ક્યૂસેક પાણી છોડવાનું શરૂ થતાં સરદાર સરોવરમાં આવક વધી છે. જેના કારણે સવારે 8 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135.42 મીટરે નોંધાઈ હતી. આ સીઝનમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમના દરવાજા ખોલવામાં આવી શકે છે.  સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી  138.68  મીટર છે. ત્યારે પાણીની સપાટી સતત વધી રહી છે. જેથી દરવાજા ખોલીને શરુઆતમાં 1.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી શકે તેમ છે.જેના કારણે  નર્મદા ,ભરુચ અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના અનેક ગામોમાં એલર્ટ અપાયું છે. હાલ પાણીની આવક 1 લાખ 66 હજાર ક્યુસેક છે.

વરસાદ અને ઉપરવાસમાં સતત પાણીની આવકના કારણે નર્મદા, ભરૂચ અને વડોદરાના કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે, તેમજ લોકોને સાવધ રહેવા માટે અપીલ કરી છે. બીજી તરફ હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહી વચ્ચે તાજેતરમાં પડી રહેલા વરસાદના કારણે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કાકડીઆંબા ડેમમાં પાણીની આવક થતા ડેમની સપાટી 187.10 મીટર પહોંચી છે. આ ડેમની સંપૂર્ણ સપાટી 187.71 મીટર છે. ત્યારે ડેમની કુલ સંગ્રહ શક્તિના 90 ટકા પાણીથી હાલ ભરેલો છે. મધ્યપ્રદેશમાં ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. દરમિયાન ચોમાસાની સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી શકયતા છે. ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદને પગલે રાજ્યના 207 જેટલા જળાશયોમાં 80 ટકાથી વધારે પાણીનો સંગ્રહ થયો છે.