અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર અંગે નવી પોલીસી બનાવી હોવા છતાં હજુ રખડતા ઢોરોનો ત્રાસ દુર થયો નથી. શહેરના રોડ-રસ્તાઓ પર હજુ પણ રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. ત્યારે શહેરના નરોડા વિસ્તારમાં એક મહિલા ચાલતી પસાર થતી હતી ત્યારે રસ્તા ઉપર ઊભેલી ગાયે અચાનક હુમલો કર્યો હતો. મહિલા નીચે પડી જતાં તેને ગાયે શિંગડાં માર્યાં હતાં. સ્થાનિક લોકોએ દોડી આવીને મહિલાને ગાયના હુમલામાંથી બચાવી હતી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે શહેરના નરોડા વિસ્તારમાં વર્ષાબેન પંચાલ પસાર થઈ રહ્યાં હતાં એ દરમિયાનમાં રોડ ઉપર ગાયોનું ટોળું ઊભું હતું. અચાનક જ એક ગાય વર્ષાબેનની પાછળ પડી હતી. વર્ષાબેન દોડવા ગયાં એ દરમિયાન તેઓ નીચે પડી ગયાં હતાં અને ગાયએ તેમની ઉપર હુમલો કરી દીધો હતો. બુમાબુમ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ગાયને ભગાડી હતી. ત્યાર બાદ મહિલાને શરીરના ભાગે ઇજાઓ થતાં 108 બોલાવી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. મહિલાને પાંસળીઓના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યુ છે. મહિલા પર ગાયે હુમલો કર્યાના સીસીટીવી કૂટેજ પણ વાયરલ થયા હતા.
અમદાવાદ શહેરમાં રખડતાં પશુઓને નિયંત્રણમાં લેવા માટે ઢોર પોલિસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કરી છે. જોકે ઢોર નિયંત્રણ પોલિસીનો અમલી હજી સુધી કરવામાં આવ્યો નથી. શહેરના તમામ વિસ્તારોમાં રોડ ઉપર ઢોર રખડતાં જોવા મળી રહ્યાં છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર આખા દિવસમાં શહેરમાંથી રોજના 50થી પણ ઓછા ઢોર પકડવામાં આવતાં સીએનસીડી વિભાગની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.