ઓસ્ટ્રેલિયન ટાપુઓ પર જમા થયા 41 કરોડ પ્લાસ્ટિકના ટુકડા, તેમાં 10 લાખ જૂતા અને પોણા ચાર લાખ ટુથબ્રશ
હિંદ મહાસાગરમાં ઓસ્ટ્રેલિયાની નજીક આવેલા કેટલાંક ટાપુઓના કિનારે પ્લાસ્ટિકનો જે કચરો જમા થઈ ગયો છે, તેમાં 10 લાખ જૂતા અને પોણા ચાર લાખ ટુથબ્રશ સહિત લગભગ 41 કરોડ પ્લાસ્ટિકના ટુકડા મળી આવ્યા છે. એક શોધમાં આ જાણકારી આપવામાં આવી છે.
તેમાં જણાવવામાં આવ્યું છે કે કોકસ ટાપુઓ પર આશરે 238 ટન પ્લાસ્ટિક કચરો જમા થઈ ગયો છે. આ સ્ટડી જર્નલ સાયન્ટિફિક રિપોર્ટ્સમાં પ્રકાશિત થયો છે.
આ ટાપુઓ નિર્જન છે અને તેમના કિનારા પર જમા થઈ રહેલો કચરો તે તરફ ઇશારો કરે છે કે દુનિયાભરના સમુદ્રો કેવી રીતે પ્લાસ્ટિક કચરાની ઘેરી સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે.
સંશોધન સાથે જોડાયેલા ઓસ્ટ્રેલિયાના તસ્માનિયા વિશ્વવિદ્યાલયના મરીન એન્ડ એન્ટાર્કટિક સ્ટડીઝના વિદ્વાન જેનિફર લાવર્સે કહ્યું કે તેમનું અનુમાન છે કે જમા થયેલા 42 કરોડ 40 લાખ ટુકડાઓનું વનજ 238 ટન હોઇ શકે છે કારણકે તેમણે ફક્ત દસ સેન્ટિમીટરના ઊંડાણ સુધીના જ નમૂનાઓ ભેગા કર્યા છે અને તે ઘણા કિનારાઓ સુધી નથી પહોંચી શક્યા, જેને કચરો હોટસ્પોટ કહેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ઘણી શોધ પછી એ વાત સામે આવી ચૂકી છે કે પ્લાસ્ટિકના પ્રદૂષણથી વન્યજીવોને ખતરો વધી રહ્યો છે અને તે માનવજીવન માટે મોટી સમસ્યા બની રહ્યો છે.