ગુજરાતમાં કોરોના વેક્સિનને લઈને આજથી શરૂ કરાશે સર્વે
અમદાવાદઃ સમગ્ર દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે કોરોના વેક્સિનને લઈને હવે સારા સમાચાર મળી રહ્યા છે, ગુજરતામાં પણ હવે કોરોના વેક્સિનને ઘર ઘર સુધી પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ વેક્સિન આપવા માટે ગુજરાતનાં આરોગ્ય વિભાગે આપેલી સૂચના પ્રમાણે 50થી વધુ ઉંમરની વ્યક્તિઓ અને 50 વર્ષની નીચેની વ્યક્તિઓ કે જેઓ અન્ય રોગ ધરાવતા હોય તેમની માહિતી એકત્ર કરીને યાદી બનાવાનું કહેવામાં આવ્યું છે.
ગુજરાતમાં આજથી તા. 13 ડિસેમ્બર સુધી મતદાન મથકના વિસ્તાર પ્રમાણે વિવિધ સર્વે ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરી વ્યકિતની ઉંમરથી લઈ તેનો મોબાઈલ નંબર સહિતની વિગત એકત્ર કરવાની કવાયત હાથ ઘરાશે, આ સાથે જ રાજ્યની તમામ મહાનગરપાલિકા દ્વારા લોકોના ઘરે-ઘરે જઈને આ રીતે સર્વે હાથ ઘરવામાં આવશે. જેના આધારે કોરોના વેક્સિન આપવા માટેની એક ખાસ યાદી બનાવવાનું કાર્ય કરાશે.
16 ડિસેમ્બર સુધીમાં આ તમામ યાદીઓ રાજ્ય સરકારને સોંપવાની રહેશે, જો કે આ પહેલા પણ કોરોના માટેના અનેક સર્વે થઈ ચૂક્યા છે,જો કે ત્યારે તમામ ઘરે ટીમ ન પહોંચવાની ફરીયાદો ઉઠી હતી જેને લઈને ફરીથી આ સર્વે કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે.