Site icon Revoi.in

સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોનો સર્વે કરાશે

Social Share

સુરેન્દ્રનગરઃ રાજ્યમાં દરેક જિલ્લાની સરકારી શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો વધતો જાય છે. જ્યારે ઘણા બાળકો પરિવારની મજબૂરી કે આર્થિક કે સામાજિક કારણોસર શિક્ષણથી વંચિત રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અને જિલ્લા પ્રોજેક્ટ કોઅર્ડિનેટર દ્વારા જિલ્લામાં 6થી 18 વર્ષની શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોનો સર્વે હાથ ધરાશે. જેમાં તા.7-11-24થી 16-11-2024 સુધી જિલ્લામાં ધો.1થી 12 સુધી કદી શિક્ષણ મેળવ્યું નથી, અધવચ્ચે શાળા છોડનારા અને દિવ્યાંગ સહિતના બાળકોનો સર્વે કરાશે. આ માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સમગ્ર શિક્ષણ અંતર્ગત 6થી 18 વર્ષની વયજૂથના શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોને શોધવા સર્વેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાભરમાંથી ધો.1 થી 12 સુધીનું કદી શિક્ષણ મેળવેલ નથી તેવા અને ધો.12 સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યા વગર અધવચ્ચેથી શાળા છોડી દીધેલ છે, દિવ્યાંગ સહિતના તમામ બાળકોનો સર્વે જિલ્લાની તમામ શાળા મારફત હાથ ધરવામાં આવ્યો છે. જે અન્વયે જિલ્લાભરના દરેક તાલુકામાં તા.7-11-2024થી 16-11-2024 સુધી આ સર્વેમાં કરવામાં આવશે. જેમાં સરકારના તમામ વિભાગો, એનજીઓ અને જાહેર જનતાને સહભાગી થઇ આવા બાળકોને શિક્ષણમાં જોડવા અભિયાન હાથ ધરાશે. આથી આવા બાળકો કોઈના ધ્યાનમાં આવે તો નજીકની સરકારી શાળાના આચાર્ય, સીઆરસી કો-ઓર્ડિનેટર, તાલુકાના બીઆરસી કો-ઓર્ડિનેટર અથવા સમગ્ર શિક્ષા જિલ્લા પ્રોજેક્ટ કચેરીને કચેરી સમય દરમિયાન લેખિત, મૌખિક અથવા ટોલ ફ્રી નં. 1800-233-3153 ઉપર જાણ કરવા અનુરોધ કરાયો છે.