અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવમાં ઘટાડો થવાની સાથે રિકવરી રેટમાં વધારો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. બીજી રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના કેસમાં સતત વધારો થતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. દરમિયાન બનાસકાંઠામાં તંત્ર દ્વારા બ્લેક ફંગસના કેસ શોધી કાઢવા માટે સર્વે હાથ ધરવામાં આવશે. તેમજ પીડિતોને શોધીને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસના 1500થી વધારે કેસ સામે આવ્યાં છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 600થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યાં હોવાનું જાણવા મળે છે. રાજ્યના શહેરી વિસ્તારની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ બ્લેક ફંગસના કેસ સામે આવી રહ્યાં છે. જેથી તંત્રની ચિંતામાં વધારો થયો છે. બીજી તરફ સરકાર દ્વારા હોસ્પિટલમાં વોર્ડ ઉભા કરવામાં આવ્યાં છે. તેમજ ઈન્જેકશનની વ્યવસ્થા કરવામાં આવ્યાં છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલ ડેંટલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના 70 દર્દીઓની સર્જરી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં એક મહિનામાં મ્યુકરમાઈકોસિસના 23 કેસ નોંધાયા છે. જ્યારે પાંચના મોત નિપજ્યા છે. જ્યારે પાટણ જિલ્લામાં મ્યુકરમાઈકોસિસના 11 કેસ નોંધાયા છે. બનાસકાંઠામાં બ્લેક ફંગસના દર્દીને શોધવા ઘરે ઘરે સર્વે કરવામાં આવશે. જે દર્દીમાં શંકાસ્પદ લક્ષણ જણાશે તેમને તપાસ કરી પાલનપુર સિવિલમાં મોકલવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી સાજા થયેલા દર્દીઓને બ્લેક ફંગસની બીમારી થવાની શકયતાઓ છે. આ ઉપરાંત ડાયબિટીસથી પીડિતા દર્દીઓને બ્લેક ફંગસ થવાની શકયતા છે. સ્વચ્છતાના અભાવે તથા ગંદુ માસ્ક પહેરવાથી પણ કોરોના થવાનો ભય છે.