છોટા ઉદેપુરમાં જમીન માપણી વિભાગનો સર્વેયર રૂપિયા દોઢ લાખની લાંચ લેતા રંગેહાથ પકડાયો
છોટાઉદેપુરઃ રાજ્યમાં લાંચ લેવાના બનાવો વધતા જાય છે. જેમાં રેવન્યુ અને પોલીસ વિભાગ હજુ પણ લાંચ લેવામાં અવલ નંબરે છે. છોટાઉદેપુરમાં જમીન માપણી સર્વેયરને રૂપિયા દોઢ લાખની લાંચ લેતા એસીબીએ જિલ્લા સેવા સદનમાં જ રંગેહાથ પકડી લીધો હતો.
છોટાઉદેપુર જિલ્લા સેવા સદનમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જમીન માપણી વિભાગની કચેરી આવેલી છે. આ કચેરીમાં એસીબીએ હાથ અજમાવ્યો અને સફળતા મળી ગઈ. એક લીઝની હદ નિશાન નક્કી કરવાના જમીન માપણી વિભાગના સર્વેયર રવી ભાયાણીએ રૂ.1.50 લાખની માંગણી કરી હતી. જે અરજદાર આપવા માંગતો ન હતો. જેને લઇને અરજદારે એસીબીનો સંપર્ક કર્યો હતો અને આ સર્વેયરને ઝડપી પાડવા માટે એસીબીની અમદાવાદની ટીમ કામે લાગી હતી. અરજદાર દ્વારા બપોર બાદ સર્વેયર રવી ભાયાણીને રૂ. 1.50 લાખ આપતા જ એસીબીએ રૂ. 1.50 લાખ સાથે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. દોઢ મહિના પહેલા જ કલેક્ટર કચેરીના ઇન્ચાર્જ ચીટનીશ સામે એસીબીની તપાસ થઈ હતી. આ દોઢ જ મહિનામાં ફરીથી એસીબી ત્રાટકતા જિલ્લા સેવા સદનમાં સન્નાટો જોવા મળી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મજબ ફરિયાદી એક જાગૃત નાગરિકે એસીબીને ફરિયાદ કરી હતી. આ કામનાં સાહેદનાં નામે ઓરસંગ નદી, ગામ-સંખેડા, તાલુકો-સંખેડા ,જીલ્લો-છોટાઉદેપુર ખાતે રેતીની લીઝ આવેલી છે, જે લીઝની માપણી શીટ બનાવી, લીઝનાં હદ નિશાન બતાવવા પેટે આ આ કામનાં આરોપી (રવિ હરીશભાઇ ભાયાણી ઉ.વ.૩૩, હોદ્દો.સિનિયર સર્વેયર, ડી.આઇ.એલ.આર.કચેરી, છોટાઉદેપુર) રૂ.1,50,000ની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. અને આથી એસીબીએ છટકું ગોઠવીને સિનિયર જમીન સર્વેયર રવિ ભાયાણીને દોઢ લાખની લાંચ લેતા પકડી પાડ્યો હતો.