વડોદરા-ભરૂચ નેશનલ હાઇવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતા કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
અમદાવાદઃ હાઈવે પર અકસ્માતો વધતા જાય છે. જેમાં વડોદરા-ભરૂચ હાઈવે પર પોર પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા વડોદરાથી ભરૂચ તરફ બે કિલોમીટર જેટલો ટ્રાફિકજામ થઈ ગયો હતો. ટ્રાફિક જામના કારણે કલાકો સુધી વડોદરાથી ભરૂચ તરફ નોકરી ધંધાર્થે જતા લોકો અટવાઇ પડ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ટ્રાફિકને પૂર્વવત કરવા માટે પોલીસ તંત્ર દ્વારા ટેન્કરને ક્રેન દ્વારા રોડની બાજુમાં ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરાથી ભરૂચ નેશનલ હાઇવે ઉપર પોર નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું હતું. સદભાગ્યે ટેન્કરની આગળ પાછળ કોઈ વાહન ન હોવાથી અને કેમિકલ ભરેલા ટેન્કરમાં આગની દુર્ઘટના થઈ નહોતી. જેથી મોટી હોનારત થતાં બચી ગઈ હતી. આ ઘટનામાં ટેન્કર ચાલકને સામાન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. પોર નજીક બનેલી આ ઘટનાને પગલે વડોદરાથી ભરૂચ તરફ ટ્રાફિક વ્યવહાર ખોવાઈ ગયો હતો અને બે કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી ગઈ હતી. કલાકો સુધી ટ્રાફિકજામ રહેતા આસપાસના ગામના લોકો પાણી, નાસ્તા સહિતની ચીજ વસ્તુઓ વેચવા માટે હાઇવે ઉપર પહોંચી ગયા હતા. તો બીજી બાજુ આ બનાવવાની જાણ સંબંધિત પોલીસ વિભાગ અને ટ્રાફિક પોલીસને થતા કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને ક્રેનની મદદ લઈને રોડની વચ્ચોવચ પલટી ખાઈ ગયેલા ટેન્કરને બાજુ પર ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કલાકોની જહેમત બાદ ટેન્કરને રોડની સાઈડમાં ખસેડીને ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વડોદરાથી ભરુચ તરફ જતા પોર પાસે બ્રિજ પર એક ટ્રકે પલટી મારી હતી. વહેલી સવારે આ બનાવ બન્યો હતો. ટેન્કર પલ્ટી જતાં એક સાઈડનો રોડ બંધ કરાયો હતો. વાહનોને કારણે હાઈવે પર લાંબી લાઈનો લાગી હતી. ટ્રાફિક પોલીસ અને ફાયર વિભાગ દ્વારા હાલ ટેન્કર હટાવવાની કામગીરી કરી હતી.