સૌરાષ્ટ્રમાં વીજળી બીલના બાકી લેણા વસૂલવા દરેક વર્તુળ કચેરીને 276 કરોડનો ટાર્ગેટ અપાયો
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજળી ચોરી સામે અભિયાન ચલાવ્યા બાદ હવે વીજળીના બાકી બીલોની વસુલાત માટે ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં કરોડો રૂપિયાના વીજ બીલો બાકી બોલે છે. પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વીજબીલના બાકી રહેતા નાણાં એટલે કે ડેબિટ એરિયર્સનો ભાગ ઘટાડવા નિર્ણય લેવામાં આવ્યો હતો. ડેબિટ એરિયર્સને લીધે વીજ કંપનીને કરોડોનું નુકસાન થઇ રહ્યું છે. જાન્યુઆરી માસમાં જ પીજીવીસીએલની ડેબિટ એરિયર્સની રકમ રૂ 380.15 કરોડ હતી. આથી હવે વીજકંપનીની દરેક વર્તુળ કચેરીને ફેબ્રુઆરી અને માર્ચ માસમાં રેગ્યુલર બિલ ઉપરાંત રૂ. 276.12 કરોડનો ડેબિટ એરિયર્સ ઘટાડવાનો ટાર્ગેટ અપાયો હોવાનું જાણવા મળ્યુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં માત્ર કૃષિ કે રહેણાક ક્ષેત્રે જ નહીં પણ કેટલાક ઉદ્યોગોના વીજ બીલો પણ બાકી બોલે છે. કોરોનાને લીધે મંદી હોવાને કારણે ઘણા ઉદ્યોગકારો વીજ બીલ ભરી શક્યા નહતા. આ ઉપરાંત ઘણા કૃષિ બીલ પણ બાકી બોલી રહ્યા છે. ઘણીબધી સંસ્થાઓ તેમજ ગ્રામ પંચાયતોના બીલ બીલ પેન્ડિંગ બોલી રહ્યા છે. તેના લીધે પીજીવીસીએલને આવકમાં ઘટ પડી રહી છે. આથી દરેક વર્તુળ કચેરીને ફેબ્રુઆરી અને માર્ચ માસમાં રેગ્યુલર બિલ ઉપરાંત રૂ.276.12 કરોડનું ડેબિટ એરિયર્સ ઘટાડવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
વીજબિલની બાકી રકમ ત્વરિત નાણાં ભરપાઈ કરવાની નોટિસ આપી નાણાં ભરપાઈ કરવાનું જણાવવામાં આવશે. ઉપરાંત ડિસ-કનેક્શનની કાર્યવાહી પણ તેજ કરાશે. જાન્યુઆરી માસમાં પીજીવીસીએલનું ડેબિટ એરિયર્સ રૂ. 380.15 કરોડ જેટલું રહ્યું હતું. તેને ઘટાડવાના તેજ પ્રયાસ સાથે દરેક વર્તુળ કચેરીને ફેબ્રુઆરી માસમાં રૂ.128.20 કરોડ અને માર્ચ માસમાં રૂ. 147.92 કરોડ એમ બન્ને માસ થઇને કુલ ડેબિટ એરિયર્સ રૂ.276.12 કરોડ સુધી ઘટાડવાનો લક્ષ્યાંક અપાયો છે.