માનવતાની મહેકઃ ભૂલથી મધ્યપ્રદેશથી ખેડા આવેલી અસ્થિર મગજની મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન
અમદાવાદઃ ખેડા (નડીયાદ) સખી વન સ્ટોપ સેન્ટરે મધ્યપ્રદેશની ૭ માસની દિકરી સાથે અસ્થિર મગજની મહિલાને 10 દિવસના આશ્રય આપી પરિવાર સાથે પુન:સ્થાપન કરાવ્યું હતું. મહિલાના પરિવારે મહિલાનું પુનઃ મિલન કરાવનાર સંસ્થા અને નડીયાદ પોલીસની પ્રશંસા કરી હતી.
ખેડા જીલ્લામાં કલેક્ટર કે. એલ. બચાણીની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ “હરસિધ્ધ એજ્યુકેશન ટ્રસ્ટ” દ્વારા સંચાલિત ખેડા-નડીયાદ સખી વન સ્ટોપ સેન્ટરમાં 181 મહિલા હેલ્પલાઇન દ્વારા 7 માસની બાળકી સાથે માનસિક રીતે અસ્વસ્થ મહિલાને લાવવામાં આવી હતી. મહિલાને બાળકી સાથે સેન્ટરમાં તમામ સુવિધાઓ સાથે આશ્રય આપી તેમનું કાઉન્સલિંગ કરતા માલુમ પડ્યું કે, બહેન મધ્ય પ્રદેશમાં જાબુઆ જિલ્લાના પેટલાવદ ગામના વતની છે. પરંતુ તેઓ પાસે કોઇ સંપર્ક નંબર ન હતો તેથી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પેટલાવદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી મહિલાના પરિવારની તપાસ કરાવતા તેના માતા-પિતા અને પતિ સુધી પહોંચવામાં સફળતા મળી હતી.
સંસ્થાએ મહિલાના પરિવારનો સંપર્ક સાધી મહિલાને અને બાળકીને ખેડા જીલ્લાના મહિલા અને બાળ અધિકારી શૈલેશ અંબારીયા અને દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી હીનાબેન ચૌધરીના સતત માર્ગદર્શન હેઠળ તેમના વતન મુકવા જવાની તજવીજ શરૂ કરી હતી. અંતે પેટલાવદ પોલીસ સ્ટેશનમાં મહિલાનો પરિવાર સાથે મિલાન થયું હતું.
ઈશ્વર કદાચ બધી જગ્યાએ પહોંચી ના શકે એટલે આ જગતમાં મા નું સર્જન થયું. એક મા અને તેના બાળકની વેદના કહો કે લાગણી તેમને એક મા જ સમજી શકે અને આ સમગ્ર પ્રક્રિયામાં માની ભૂમિકા સખી વન સ્ટોપ સેન્ટર અને નડિયાદ પોલીસ વિભાગે ભજવી સમાજને માવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને લોકોમાં એક આશા જીવંત રખાવી કે માનવતા હજી જીવંત છે.