- નરેન્દ્ર મોદી પ્રચાર અર્થે ઝારખંડ ગયા હતા
- મોદીનું પ્લેન અટકાતા એર ટ્રાફિક થયો પ્રભાવિત
- રાહુલ ગાંધીનું પ્લેન પણ અટવાયું
નવી દિલ્હીઃ ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. તેમજ ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી બંને રાજ્યમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. દરમિયાન પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડ ગયા હતા. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન ટેકનિકલ ખામીને કારણે શુક્રવારે દેવઘર એરપોર્ટ પર રોકાયું હતું. પીએમ મોદીના પ્લેન રોકાવાને કારણે એર ટ્રાફિક પ્રભાવિત થયો છે.
વડાપ્રધાન જમુઈના ચકાઈ ખાતે સભા યોજીને દેવઘર પરત ફરી રહ્યા હતા, પરંતુ ટેકનિકલ સમસ્યાઓના કારણે વિમાન ઉડાન ભરી શક્યું ન હતું. જેના કારણે હવાઈ અવરજવર અવરોધાઈ હતી, જેથી અન્ય ફ્લાઈટને પણ અસર થઈ હતી. બીજી તરફ ગોડ્ડાના મહાગામામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર પણ એક કલાક માટે અટકી ગયું હતું. એર ટ્રાફિક બ્લોકને કારણે તેમનું હેલિકોપ્ટર બપોરે 2.50 વાગ્યે ટેકઓફ કરી શક્યું હતું. આ સિવાય ઝારખંડના દુમકામાં મુખ્યમંત્રી હેમંત સોરેનની સાથે જતું હેલિકોપ્ટર પણ લાંબા સમય સુધી ફસાયું હતું. આ તમામ ઘટનાઓ પાછળ માત્ર એક જ કારણ હતું કે, વડાપ્રધાનનું વિમાન દેવઘર એરપોર્ટ પર પાર્ક કરવામાં આવ્યું હતું અને એર ટ્રાફિક બ્લોક થઈ ગયો હતો. વડાપ્રધાનનું વિમાન મોડે સુધી દેવઘર એરપોર્ટ પર ઉભુ રહ્યું હતું, અને ટેક્નિકલ ખામીને કારણે ટેકઓફ થયું ન હતું.