ગાંધીનગર: ભારતીય વિચાર મંચ, ગાંધીનગર દ્વારા “બહુમુખી વ્યક્તિત્વ ડૉ. બાબા સાહેબ આંબેડકરનું રાષ્ટ્રચિંતન” વિષય પર વિચાર ગોષ્ઠિનું આયોજન મંગળવારે વિદ્યાભારતી સ્વામિનારાયણ ગુરુકુલ, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વક્તા તરીકે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, અમદાવાદના નિયામક પ્રો ( ડૉ ) શિરીષ કાશીકર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં ભારતીય વિચાર મંચ- ગાંધીનગર કેન્દ્રના ઉપાધ્યક્ષ દિપકભાઈ રાઠોડે પુસ્તક આપીને તેમનું અભિવાદન કર્યું હતું.
પ્રો. કાશીકરે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે મોટા ભાગના લોકો ડૉ. બાબાસાહેબને માત્ર બંધારણના ઘડવૈયા, દલિત નેતા, રાજકીય વ્યક્તિ કે બેરિસ્ટર તરીકે જ ઓળખે છે પરંતુ તેઓ તેનાથી વિશેષ ચિંતક, પત્રકાર, ફિલોસોફર, અર્થશાસ્ત્રી, સ્કોલર, ક્રાંતિસર્જક, ઉત્તમ નેતા, સમાજ સુધારક, વક્તા, માનવ અધિકારોના રક્ષક ઉપરાંત બહુમુખી વ્યક્તિત્વ ધરાવનાર રાષ્ટ્ર પુરુષ હતા.
પ્રો. કાશીકરે ડૉ. બાબાસાહેબના જન્મથી લઇને સંપૂર્ણ જીવનના વિશેષ પ્રસંગો જેમકે કાલારામ મંદિર (નાસિક), ચવદાર તળાવ (મહાડ, મહારાષ્ટ્ર)નો સત્યાગ્રહના ઉદાહરણ સહિત પ્રસંગો જણાવ્યા હતા. ડૉ.બાબાસાહેબે એ સમયે દેશના ભાવિ રોડમેપની વાત કરતા શાળાકીય શિક્ષણ, સ્ત્રીઓનું સક્ષમીકરણ તેમજ લોકતંત્ર ઉપર ખૂબ ભાર મૂક્યો હતો.
પ્રો. કાશીકરે ડૉ. બાબાસાહેબ આંબેડકર વિશે વધુ જણાવતા કહ્યું હતું કે તેમણે ઘર ગૃહસ્થી – સમાજ ગૃહસ્થી, લોકશાહીના મૂલ્યો,વ્યક્તિ પૂજા નિષેધ, સમતા – બંધુતા – સ્વતંત્રતા એ સામાજિક સમરસતાના મૂલ્યો, અસ્પૃશ્યતા નિવારણ, સમાનતા જેવા અનેક મુદ્દે સંઘર્ષ કર્યો હતો. અંતે વક્તાએ સૌને ડૉ. બાબાસાહેબનું જીવનચરિત્ર વાંચવા ખાસ અનુરોધ કર્યો હતો. ત્યારબાદ શ્રોતાઓ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા જેના પ્રો. કાશીકરે સંતોષકારક જવાબ આપ્યા હતા.
આ કાર્યક્રમમાં ભારતીય વિચાર મંચ, ગાંધીનગર કેન્દ્રના સહમંત્રી ભરતભાઇ ગોહિલે, સહમંત્રી ડૉ. અજયભાઈ રાવલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.