અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા નીતનવા આયામો પર પહેલ કરીને ઈનોવેશન અને રિસર્ચ ક્ષેત્રે જોડાયેલા વિદ્યાર્થીઓ, તેમજ ઉદ્યોગ જગતના તજજ્ઞો માટે તેમના જ્ઞાનમાં વધારો કરતાં વિવિધ પ્રકારના કાર્યક્રમો સમયાંતરે યોજવામાં આવતા હોય છે. આગામી તારીખ 20 થી 23 સપ્ટેમ્બર દરમિયાન જીટીયુ ચાંદખેડા ખાતે દ્વીતિય મલ્ટી ડિસિપ્લિનરી ઈન્ટરનેશનલ કોન્ફરન્સ આઈકોન-2022નું આયોજન કરાયું છે. આ કોન્ફરન્સમાં એન્જિનિયરિંગ, ફાર્મસી, મેનેજમેન્ટ અને બાયોટેક્નોલોજી વિદ્યાશાખાના મળીને કુલ 189 રિસર્ચ પેપરનું પ્રેઝન્ટેશન સંશોધનકારો દ્વારા કરવામાં આવશે.
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે, ઈનોવેશન અને રિસર્ચ વર્તમાન સમયની જરૂરીયાત છે. વિવિધ શાખામાં થતાં રિસર્ચ જુદી-જુદી વિદ્યાશાખામાં કેવી રીતે મદદરૂપ થઈ શકે તે અર્થે, જીટીયુ દ્વારા આ પ્રકારની ઈન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સહિત જાપાન, સાઉથ આફ્રિકા , અફઘાનિસ્તાનના રીસર્ચર્સ, શિક્ષણવિદો, ઓથર અને ઈન્ડસ્ટ્રીઝના નામી હસ્તીઓ આ કોન્ફરન્સમાં જોડાશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જીટીયુમાં આગામી તા.20થીને મંગળવારથી ‘ બિઝનેસ મેનેજમેન્ટ ઈન ટર્બલેન્ટ ટાઈમ્સ, ઈમર્જિગ ટ્રેન્ડ્સ એન્ડ ઈનોવેશન ઈન ફાર્માસ્યૂટીકલ સાયન્સ, ઈમર્જિગ ટ્રેન્ડ્સ ઈન એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજી અને પોસ્ટ પેનડેમિક રેસિલિએન્સ થોટ બાયોટેક્નોલોજી ઈન્ટરવેન્સન જેવી 4 મૂળ થીમ આધારિત મલ્ટીડિસિપ્લિનરી ઈન્ટરનેશનલ કૉન્ફરન્સ યોજાશે. જેના ઉદ્ધાટન પ્રસંગે મુખ્ય મહેમાનસ્થાને મોરેશિયસના પૂર્વ ભારતીય ઉચ્ચ કમિશનર અનુપ મુદ્દગલ, અતિથિ વિશેષ સ્થાને સાવિત્રિબાઈ ફૂલે પૂણે યુનિવર્સિટીના મેનેજમેન્ટ વિભાગના ડિન ડૉ. પરાગ કાલકર અને અદાણી ગ્રુપ અમદાવાદના સિનિ. વાઈસ પ્રેસિડેન્ટ પંકજ સિંઘ સહિત જીટીયુના કુલપતિ નવીન શેઠની અધ્યક્ષતામાં કોન્ફરન્સને ખુલ્લી મૂકવામાં આવશે.
તેમણે મેર્યું હતું કે, પ્રથમ દિવસે એટલે કે 20 સપ્ટેમ્બરના રોજ જીટીયુ સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ મેનેજમેન્ટની કોન્ફરન્સનું બિઝનેસ મેનેજમેન્ટ ઈન ટર્બલેન્ટ ટાઈમ્સ થીમ પર આયોજન કરાશે. જેમાં 28 રિસર્ચ પેપર્સનું પ્રેઝન્ટેશન રજૂ કરાશે. ફાઈનાન્સ એન્ડ ઈકોનોમી, માર્કેટીંગ, એચઆર એન્ડ ગવર્નન્સ પોલિસી, ઈન્ટરનેશનલ બિઝનેસ સ્ટ્રેટેર્જી અને આંત્ર્યપ્રિન્યોરશિપ અને રિસ્ક ટુ ટર્બલેન્ટ ટાઈમ્સ જેવી 6 જુદી-જુદી કેટેગરીમાં શ્રેષ્ઠ રિસર્ચ પેપર પ્રેઝન્ટેશનનો એવોર્ડ આપવામાં આવશે. 21 સપ્ટેમ્બરના રોજ ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજીની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. જેમાં કુલ 52 રિસર્ચ પેપરનું પ્રેઝન્ટેશન કરાશે. ઈલેક્ટ્રીકલ એન્જિનિયરીંગ, કેમિકલ એન્જિનિયરીંગ, સિવિલ અને એન્વાયર્મેન્ટલ એન્જિનિયરીંગ, કૉમ્પ્યુટર સાયન્સ અને આઈટી, ઈલેક્ટ્રોનિક્સ અને કૉમ્યુનિકેશન એન્જિનિયરીંગ, ઈન્સ્ટ્રુમેન્ટલ એન્ડ કંટ્રોલ એન્જિનિયરીંગ, મિકેનિકલ એન્જિનિયરીંગ જેવી 7 જુદી-જુદી કેટેગરીમાં શ્રેષ્ઠ રિસર્ચ પેપર પ્રેઝન્ટેશનનો એવોર્ડ જાહેર કરાશે. કનેક્ટીંગ એકેડેમિક રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ વીથ પ્રોડક્ટ ઈનોવેશન થીમ પર આઈઆઈટી-દિલ્હીના પૂર્વ ડાયરેક્ટર પ્રો. વિ રામગોપાલ રાવ દ્વારા વ્યાખ્યાન આપવામાં આવશે.