Site icon Revoi.in

પાલનપુરમાં નેશનલ હાઈવે પર થ્રી લેગ એલિવેટેડ બ્રિજનું કરાયું લોકાર્પણ

Social Share

પાલનપુરઃ શહેરમાં નેશનલ હાઈવે પર કરોડોના ખર્ચે તૈયાર નિર્માણ કરાયેલી થ્રી લેગ એલિવેટેડ બ્રિજનું આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. રાજ્યનો પ્રથમ અને દેશનો બીજો પિલર પરનો થ્રી લેગ બ્રિજ પાલનપુરમાં બન્યો છે. શહેરના આરટીઓ સર્કલ પર નેશનલ હાઈવે પર બનાવવામાં આવેલા બ્રિજના કારણે સેંકડો વાહનચાલકોને ટ્રાફિક્માંથી મુકિત મળશે. સૌથી મોટી રાહત અમદાવાદથી અંબાજી તરફ જતા વાહનચાલકોને થશે. રાત પડતાં જ બ્રિજનો નજારો વિદેશના રસ્તાઓની યાદ અપાવી જાય છે.

પાલનપુરમાં નેશનલ હાઈવે પર થ્રી લેગ એલિવેટેડ બ્રિજનું નિર્માણ કરાયું છે તેનો રાત્રિનો આકાશી નજારો જોતા મેટ્રો શહેરના રસ્તાઓને પણ ઝાંખો પાડી દે તેવો છે. એક સમયે જ્યાં વાહનોની કતાર લાગતી હતી ત્યાં આસપાસ સરળતાથી વાહનોની અવરજવર નજરે પડી હતી. પાલનપુરવાસીઓ માટે તો જાણે આ બ્રિજ સેલ્ફી પોઈન્ટ બન્યો છે. આ બ્રિજ પરથી આબુરોડથી અંબાજી તરફ જતાં વાહનો અને પાલનપુરથી અંબાજી તરફ જતાં વાહનો પસાર થશે. શરૂઆતમાં અહીં રેલવે ક્રોસિંગ આવતું હોઇ ભારે ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હતી. પરંતુ, હવે લોકાર્પણ થતાં આ ટ્રાફિક સમસ્યાનો હલ થઈ છે..

પાલનપુર શહેરમાં નવનિર્મિત રાજ્યના પ્રથમ પિલર પરના થ્રી લેગ બ્રિજના નિર્માણ પાછળ 89 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ગુજરાતનો આ પ્રથમ અને પિલર પર થ્રી લેગ એલિવેટેડ બ્રિજ છે. આવો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ સૌપ્રથમ ચેન્નઈમાં બન્યો હતો. આ બ્રિજની વિશેષતાઓ એ છે કે બ્રિજમાં 16000 મેટ્રિક ટન સિમેન્ટ વપરાયો છે તેમજ 3600 મેટ્રિક ટન લોખંડનો વપરાશ કરવામાં આવ્યો છે. પાલનપુર અને આબુરોડ તરફ 1700 મીટર લંબાઈના લેગ બનાવવામાં આવ્યા છે જ્યારે પાલનપુર અને આબુરોડ તરફ બે લાઈન અને અંબાજી તરફ ફોરલાઇન લેગ બનાવવામાં આવ્યા છે. આ આખો બ્રિજ 79 પિલર પર ઊભો છે. જેમાં 84 મી.ના ઘેરાવોનું સર્કલ સેલ્ફ પોઈન્ટ બનાવવામાં આવ્યું છે. આ બ્રિજમાં કુલ 180 ગર્ડર કોંક્રિટના છે અને 32 ગર્ડર સ્ટીલના લગાવવામાં આવ્યા છે. પેરાપીડ સાથે આ બ્રિજની ઊંચાઈ 17 મીટર છે.