કોરોનાના કેસમાં થયો વધારોઃ અમદાવાદમાં કુલ 21 સોસાયટી માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકાઈ
અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. અમદાવાદમાં પણ કોરોનાના કેસ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે અને પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સઘન સર્વે અને ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. તેમજ વધારે પાંચ સોસાયટીને માઈક્રો કન્ટેનમેન્ટમાં મુકવામાં આવી છે. આમ અત્યાર સુધીમાં 21 જેટલી સોસાયટીઓ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 101 નવા કેસ નોંધાયાં હતા. બીજી તરફ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સતત વધારો થઈ રહ્યો છે. AMCએ માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી છે. હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ તેમજ સ્ક્રીનીંગની કામગીરી શરૂ કરાઈ છે. ચૂંટણી પહેલા અમદાવાદમાં પ્રતિદિન 50 કેસો કોરોનાના નોંધાતા હતા, જેના બદલે ચૂંટણીના પરિણામો બાદ પ્રતિદિન કોરોનાના કેસો વધીને 100 સુધી જઈ પહોંચ્યા છે. અમદાવાદ શહેરમાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે તેમજ શહેરના વિવિધ વિસ્તારમાં કોરોના ટેસ્ટ માટે ફરી કેમ્પ શરૂ કરવામાં આવ્યાં છે. એક સમયે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 1700ની આસપાસ હતી, વધીને 2200 સુધી પહોંચી છે.
રાજયના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિના જણાવ્યા અનુસાર, કોરોનાના સંક્રમણને રોકવા રાજયમાં સર્વેલન્સ અને ધનવંતરી રથની કામગીરી સધન બનાવવમાં આવશે. બોર્ડર એરીયા પર સ્ક્રિનિંગ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. તેમજ કોવિડ વેક્સીનેશન કામગીરીની સમીક્ષા કરી વેક્સીનેશન ઝડપથી પૂર્ણ થાય તે અંગે સરકાર દ્વારા સૂચનાઓ આપવામા આવ્યાં છે.