ગાંધીનગરઃ ગુજરાતમાં સરકાર દ્વારા શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં અનેક શાળાઓમાં પુરતા ઓરડાં નથી. પુરતા શિક્ષકો નથી, ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોના જુદા જુદા પ્રશ્નોના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટડ શાળાઓમાં શિક્ષકો અને આચર્ય મળીને કુલ 28212 જગ્યાઓ ખાલી છે.
ગુજરાત વિધાનસભામાં પુછાયેલા સવાલના સરકારે લેખિતમાં જવાબ રજુ કર્યા હતા જે પ્રમાણે રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓ માં પ્રાથમિક શિક્ષકની 16,318 આચાર્યની 1, 028 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં માધ્યમિક શિક્ષકની 730 ઉચ્ચતર માધ્યમિક શિક્ષકની 756 અને આચાર્ય ની 786, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકની 774,, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં માધ્યમિક શિક્ષકની 2,547 ઉચ્ચતર માધ્યમિક શિક્ષકની 3,498, અને આચાર્યની 1,775 જગ્યાઓ ખાલી છે. રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની મળીને કુલ 28,212 જગ્યાઓ ખાલી છે. આ જગ્યાઓ ખાલી રહેવાના કારણે સરકારી શાળાઓમાં ભણતા ગરીબ બાળકોને શિક્ષકોની ખાલી જગ્યાઓના કારણે શિક્ષણથી વંચિત રહેવું પડે છે.
તા. 31-12-2020 ની સ્થિતિએ સિન્ટેક્ષના બિન વપરાશ લાયક ઓરડાઓની સંખ્યા 3,225 હતી, એક વર્ષમાં 708 સિન્ટેક્ષના બિનવપરાશલાયક ઓરડાઓના કાટમાળ હટાવવાની મંજુરી આપવામાં આવી છે. હજુ પણ સિન્ટેક્ષના બિનવપરાશલાયક 2,637 ઓરડાઓનો કાટમાળ હટાવવાનો બાકી છે.
રાજ્યમાં 285 ગ્રાન્ટેડ આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજો આવેલી છે. આ કોલેજોમાં આચાર્યની 133, અધ્યાપકની 2177 , પીટીઆઈની 167 ગ્રંથપાલની 224, , વર્ગ-3ની 1851 વર્ગ-4ની 2351 જગ્યાઓ ખાલી છે. ગ્રાન્ટેડ કોલેજોમાં આચાર્ય, અધ્યાપક, પીટીઆઈ, ગ્રંથપાલ અને વર્ગ-3 અને 4ની 4,552 જગ્યાઓ ખાલી છે. આચાર્યની 206 ભરાયેલની સામે 133 ખાલી, પીટીઆઈની 170 ભરાયેલની સામે 167 ખાલી, ગ્રંથપાલની ભરાયેલ 110 ની સામે 224 , વર્ગ-3ની ભરાયેલ 966ની સામે 1851 ખાલી અને વર્ગ-4ની 832 ભરાયેલની સામે 2351 જગ્યાઓ ખાલી છે. આમ ભરાયેલી જગ્યાઓ કરતાં બે ગણી જગ્યાઓ ખાલી છે. ડાંગ જીલ્લામાં એક પણ ગ્રાન્ટેડ આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજ આવેલી નથી.
રાજ્યમાં સરકારી ઈજનેરી કોલેજોમાં વર્ષ-2020માં વર્ગ-1ની 296 જગ્યાઓ ખાલી હતી તેમાં વધારો થઈને હાલમાં 300 જગ્યાઓ ખાલી છે. ખાલી જગ્યાઓમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે તેમ છતાં ઉકત્ત જગ્યાઓ વર્ષોથી ખાલી હોવા છતાં તાત્કાલિક ભરવા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. રાજ્યમાં મહીસાગર, વડોદરા અને મોરબી જિલ્લામાં આર્ટસ, કોમર્સ અને સાયન્સની એક પણ સરકારી કોલેજ નથી. રાજ્યમાં 105 સરકારી કોલેજોમાં વર્ગ-1ની 16, વર્ગ-2ની 522, વર્ગ-3ની 320 , વર્ગ-4ની 220 મળીને કુલ 1078 જગ્યાઓ ખાલી છે.