Site icon Revoi.in

ગુજરાતમાં RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં કુલ 39,979 બાળકોને ધોરણ-1માં પ્રવેશ અપાયો

Social Share

ગાંધીનગરઃ રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટ અંતર્ગત  બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ગુજરાત રાજ્ય દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરાયા છે. રાજ્ય સરકારનાં સઘન પ્રયાસોના પરિણામે વાલીઓમાં જાગૃતિ આવી છે. આગામી શૈક્ષણિક વર્ષ 2024-25  માટે કુલ- 2,35,387 અરજીઓ ઓનલાઈન કરાઈ હતી. જેમાંથી 1,72,675 અરજીઓ માન્ય અને 15,319 અરજીઓ અધુરા દસ્તાવેજોના કારણોસર અમાન્ય કરાઈ હતી અને 47,393 અરજીઓ અરજદારો દ્વારા રદ્દ કરવામાં આવી હતી. તેમ નાયબ શિક્ષણ નિયામક પ્રાથમિક શિક્ષણની અખબારી યાદીમાં જણાવ્યું છે.

યાદીમાં જણાવ્યાનુસાર રાજયની કુલ- 9828 જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળામાં જુદા જુદા માધ્યમમાં કુલ 45,170 જેટલી જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી. જે પૈકી વિધાર્થીઓની પસંદગી અને 6 કી.મીની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઈ પ્રથમ રાઉન્ડમાં કુલ-39,979 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. જ્યારે પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણીને અંતે રાજ્યમાં 5192 જેટલી જગ્યાઓ અરજદારોની પસંદગીનાં અભાવે ખાલી રહી છે. પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણી અન્વયે વાલીઓને SMS થી જાણ કરાઈ છે. તથા એડમિટ કાર્ડ (પ્રવેશ પત્ર) માં દર્શાવેલ અસલ દસ્તાવેજો રજૂ કરી તા:- 22/04/2024  સોમવાર સુધીમાં જે-તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ મેળવી લેવા જણાવાયુ છે. જેઓને પ્રથમ રાઉન્ડમાં શાળા ફાળવણી કરવામાં આવી છે, જો તેઓ સમયમર્યાદામાં પ્રવેશ મેળવશે નહિ તો તેઓને ફાળવેલ પ્રવેશ રદ ગણાશે, અને પછીના રાઉન્ડમાં તેઓ પ્રવેશ મેળવવા હકદાર બનશે નહીં, તેની ખાસ નોંધ લેવી.

પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેતી જગ્યાઓ પર વધુમાં વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ ફાળવી શકાય તે માટે જે બાળકોને પ્રવેશ ફાળવ્યું નથી તેવા અરજદારોને બીજા રાઉન્ડ પૂર્વે શાળાઓની પુનઃ પસંદગીની તક આપવામાં આવશે  ત્યારબાદ બીજા રાઉન્ડની નિયમાનુસાર પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.