અમદાવાદઃ પેપર લીક પ્રકરણમાં ગઈકાલે ફરિયાદ નોંધ્યા બાદ છ આરોપીઓની ધરપકડ કરીને ઉંડાણપૂર્વકની પૂછપરછ આરંભી હતી. આ પ્રકરણમાં અત્યાર સુધીમાં લગભગ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આરોપી દર્શન વ્યાસના ઘરેથી રૂ. 23 લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે. આ રોકડ પેપર વેચાણથી આવેલી રકમનો એક ભાગ હોવાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ પોલીસ તપાસમાં હજુ ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પરીક્ષાનું પેપર લીક મામલે સાબરકાંઠા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. તેમજ ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કરાયાં છે. પોલીસે આરોપી દર્શન વ્યાસ ના ઘરે તપાસ કરી 23 લાખ રૂપિયા પોલોસે કબજે કર્યા છે. હજુ વધુ નામો ખુલે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ગૌણ સેવા પસંદગી મંડળના કર્મચારીની સંડોવણી અંગેના પુરાવા પોલીસને હાથે લાગ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાના 6 દિવસ બાદ સરકારે સત્તાવાર રીતે કબૂલ કર્યું. આ ગુના હેઠળ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં સરકાર તરફથી ગુનો દાખલ કરાયો છે. બીજી તરફ પરીક્ષાર્થીઓમાં પણ રોષ ફેલાયો છે અને આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી રહી છે. હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટે લગભગ 86 હજારથી વધારે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સત્તાધારી ભાજપ સરકારને ઘેરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.