અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની દરેક નગરપાલિકાઓ એક ટાઉનપ્લાનિંગ સ્કીમ બનાવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની નાની-મોટી નગરપાલિકાઓ પોતાના નગરોના વિકાસકામો માટે વધારાના નાણાં આયોજિત કરવા સાથે નગર સુખાકારી અને જનસુવિધા વૃદ્ધિના કામો હાથ ધરી શકે તે માટે આ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ આયોજિત સિટી લીડર્સ કોન્ક્લેવમાં આ જાહેરાત કરી હતી.
રાજ્યની બ, ક અ ડ વર્ગની નગરપાલિકાઓના પ્રમુખો, સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષો અને ચીફ ઓફિસર્સની આ કોન્ક્લેવમાં નગરોમાં સ્વચ્છતા-સફાઈ, પાણી-વીજળી-ગટર અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તેમજ એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રે થયેલી કામગીરી અને બેસ્ટ પ્રેક્ટિસિસનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ કોન્ક્લેવમાં પ્રેરણાદાયી માર્ગદર્શન આપતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિથી જનતા જનાર્દનનો વિશ્વાસ સંપાદિત કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એવી નગરપાલિકાઓ પણ વિકાસકામોની તેજ રફતારથી એ ભરોસા-વિશ્વાસને વધુ આગળ ધપાવે તેવું આહવાન તેમણે કર્યું હતું.
મુખ્યમંત્રી નગરપાલિકાઓમાં સ્વચ્છતા અભિયાન અને અમૃત મિશન અન્વયે હાથ ધરાયેલી કામગીરીની છણાવટ કરતા ઉમેર્યું કે, હવે સ્વચ્છતા છેક છેવાડાના સ્તર સુધી સૌનો સહજ સ્વભાવ બની ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીથી સ્વચ્છતા હવે જનઆંદોલન બની છે, ત્યારે નગરપાલિકાઓ પણ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સુઘડતા-સફાઈથી નગરો સાફસુથરા રાખે. ભૂપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું કે, નગરપાલિકાઓના વિકાસકામો નાણાના અભાવે અટકે નહીં તેવું સુદ્રઢ નાણા વ્યવસ્થાપન અને નવી વ્યવસ્થાઓ વિકસાવવામાં રાજ્ય સરકાર નગરપાલિકાઓ સાથે છે. તેમણે નગરોમાં રોજબરોજના પ્રશ્નોનું નગરપાલિકા અને રાજ્ય સરકાર સાથે મળીને ત્વરાએ નિરાકરણ લાવવાની પણ આ કોન્ક્લેવમાં હિમાયત કરી હતી.