- ગૃહિણીઓએ રસોડામાં રજા પાળી, ઠંડુ ભોજન આરોગી શીતળા સાતમ મનાવી,
- કચ્છના તમામ મંદિરોમાં વહેલી સવારથી ભાવિકોની જામી ભીડ,
ભૂજઃ રાજ્યમાં વાર-તહેવારોનું સૌથી વધુ મહાત્મ્ય છે. ગુજરાતના લોકો તમામ તહેવારો ભરા ઉત્સાહથી ઊજવતા હોય છે. આજે શ્રાવણ માસની વદ સાતમ એટલે શિતલા સાતમ છે, ત્યારે આજના મોટી સાતમના દિવસે શિતલા માતાજીનો ભવિકોમાં અનેરો મહિમા છે. રાજ્યભરમાં આજે શિતળા સાતમનું પર્વ ઉત્સાહથી ઊજવાયું છે. જેમાં કચ્છમાં જિલ્લા મથક ભુજ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શીતળા માતાના મંદિરોએ શ્રદ્ધાળુઓ દર્શને ઉમટી પડ્યા હતા. આજે ઠંડુ ભોજન આરોગી ગૃહિણીઓ રસોઈમાં રજા પાળી હતી. દરમિયાન વાગડ વિસ્તારના એકમાત્ર શિતલા માતાજીના પૌરાણિક નગાસર તળાવના રમણીય સ્થળ પર આવેલા સદીઓ જુના શિતલા માતાજીના મંદિરે હકડેઠઠ માનવ મેદની વચ્ચે મેળો યોજાયો હતો.
કચ્છ જિલ્લામાં આજે શિતળા સાતમનું પર્વ ભારે ઉત્સાહથી ઊજવાયું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં શિતળા સાતમને ટાઢી સાતમ પણ કહેવામાં આવે છે, એટલે આજે ગૃહિણીઓ રસોઈ બનાવતી નથી. રાંઘણ છઠ્ઠના દિવસે બનાવેલા ઢેબરા, અન્ય ફરસાણ અને મીઠાંઈઓ આજે સાતમના દિવસે ભોજનમાં આરોગતા હોવાથી આ સાતમને ઢેબરા સાતમ કે ટાઢી સાતમ પણ કહેતા હોય છે. કચ્છ જિલ્લાના રાપર ખાતેના યોજાયેલા લોક મેળામાં અબાલ વૃધ્ધ અને મહિલાઓ, યુવતીઓ ઉમટયા પડ્યા હતા.મેળામા પરંપરાગત પહેરવેશમા પાટીદાર સમાજની મહિલાઓનો રાસ જોવા મળ્યો હતો. મંદિરના પુજારી અમિબેનના સાંનિધ્યમાં મેળાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓએ શિતલા માતાના નિવેદપ્રસાદ અને આરતી કરતા જોવા મળ્યા હતા. મેળા દરમિયાન નજીકમાં આવેલા પ્રાચીન અને પૌરાણિક નાગેશ્ચર મંદિર ખાતે પણ ભાવિકોની ભીડ જોવા મળી હતી મેળા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી હતી. દરમિયાન અમિબેન ખીમજીભાઇ માલી, કાંતીભાઇ માલી, ગણેશભાઇ પટેલ, નરેશ માલી, વાલજી ખેર, પરશોતમ માલી, દામજી પટેલ, મેઘાભાઇ પટેલ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.