અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માતને લીધે સર્જાયો ટ્રાફિક જામ
વડોદરાઃ રાષ્ટ્રીય ધોરી માર્ગો પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. અકસ્માતોના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હોય છે. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર વડોદરા નજીક એક્સપ્રેસ હાઇવે ટોલનાકા પાસે રેલવેના પાટા ભરેલી ટ્રક અને પાઉડર ભરેલી ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક ટ્રકનો ડ્રાઇવર કેબિનમાં ફસાઇ ગયો હતો. જેને બહાર કાઢવા માટે ફાયરબ્રિગેડને દોઢ કલાકની જહેમત ઉઠાવવી પડી હતી. જ્યારે અન્ય એકને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવને પગલે હાઇવે ઉપર 5 કિમીનો લાંબો ટ્રાફિકજામ થયો હતો.
આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર વડોદરા નજીક એક્સપ્રેસ હાઇવે ટોલનાકા પાસે રેલવેના પાટા ભરેલી ટ્રક અને પાઉડર ભરેલી ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રકચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે એકને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અને ટ્રકમાં ફસાયેલા ડ્રાઈવર-ક્લીનરને બહાર કાઢવા માટે ફાયરબ્રિગેડની મદદ માગવામાં આવી હતી. અકસ્માતને પગલે વડોદરા ટોલપ્લાઝાથી ડુમાડ ચોકડી સુધી ભારે ટ્રાફિકજામ થયો હતો. એક્સપ્રેસ હાઈવે ઉપર થયેલા અકસ્માતને પગલે અમદાવાદથી વડોદરા તરફ 2 કિમી ટ્રાફિકજામ થયો હતો. અકસ્માતના વાહનોને ક્રેનની મદદથી દૂર કરવામાં આવ્યા હતા.
ફાયરબ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ અકસ્માત અંગે કોલ મળતાની સાથે જ અમારી ટીમ તાત્કાલિક રવાના થઈ હતી અને 20 મિનિટમાં ઘટના સ્તરે પહોંચી હતી. આ બનાવ અંગે છાણી ટીપી 13 અને દરજીપુરા ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. આ બનાવમાં 90 મિનિટ સુધી ફાયર દ્વારા રેસ્ક્યૂ કરી ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો. ફાયર વિભાગે ભારે જહેમત બાદ ડ્રાઈવરને બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ડુમાડ ચોકડીથી ટોલનાકાની વચ્ચે બન્ને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. એક ટ્રકનું ડીઝલ ખૂટી જતા ચાલકે ટ્રક રોકી હતી. આથી અચાનક પાછળથી આવતી ટ્રક તેની પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માતને પગલે વડોદરા ટોલપ્લાઝાથી ડુમાડ ચોકડી સુધી ભારે ટ્રાફિકજામ થયો હતો. એક્સપ્રેસ હાઈવે ઉપર થયેલા અકસ્માતને પગલે અમદાવાદથી વડોદરા તરફ 2 કિમી ટ્રાફિકજામ થયો હતો. અકસ્માતના વાહનોને ક્રેનની મદદથી દૂર કરવામાં આવ્યા હતા.