પાલનપુરઃ ડીસા -પાટણ હાઈવે પર આવેલા જુનાડીસા પાસે સોમવારે ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. જ્યારે એક પેસેન્જરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.આમ આ અકસ્માતમાં બેના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 2 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. બનાવને પગલે આજુબાજુના લોકોએ 108 એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે ડીસા અને ત્યાંથી વધુ સારા માટે અન્ય હોસ્પિટલમાં ખસેડયા હતા.
રાજ્યમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ રોજબરોજ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માત ડીસા-પાટણ હાઈવે પર સર્જાયો હતો. ડીસા તાલુકાના જુનાડીસા ગામ પાસે સોમવારે રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સજાયો હતો. ખરડોસણ ગામનો રાવળ પરિવાર શાકભાજી લઈને રિક્ષામાં ડીસાથી પરત ઘર તરફ જઈ રહ્યો હતો, તે સમયે જુનાડીસા પાસે સામેથી આવી રહેલી ટ્રક અને રિક્ષા વચ્ચે ધડાકા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષાના કુરચે કુરચા ઉડી ગયા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત રિક્ષાચાલક રમેશભાઇ રાવળનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું. જ્યારે રિક્ષામાં સવાર અન્ય મહિલા સહિત ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાંથી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે એમ આ અકસ્માતના બનાવમાં બે લોકોના મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકો અને 108 એમ્બ્યુલન્સ વાન તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. તેમજ ઇજાગ્રસ્ત લોકો હાલત વધુ નાજુક જણાતા વધુ સારવાર માટે પાલનપુર સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.