અમદાવાદઃ શહેરના સાબરમતી સેન્ટ્રલ જેલ નજીક રૂપિયા 140 કરોડના ખર્ચે પોલીસ માટે અત્યાધૂનિક એકેડેમી બનાવાશે, ગૃહ વિભાગે મંજુરી આપી દેતા આગામી બે વર્ષમાં તાલીમી સ્કુલનું કામ પૂર્ણ કરાશે. આ ટ્રેનિંગ સેન્ટરમાં રહેવા માટેના રૂમ કે જેમાં એસી, ફ્રીઝ અને ટીવી સહિતની વ્યવસ્થા હશે. સાથે જ ડાઈનિંગ હોલ અને કિચન હોલ પણ તૈયાર કરાશે. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સ્વિમિંગપૂલ, જિમ્નેશિયન ઓલિમ્પિક સાઈઝના બનાવાશે.
રાજ્યના ગૃહ વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ અમદાવાદના સાબરમતી જેલ કેમ્પસમાં રૂપિયા 140 કરોડના ખર્ચે પોલીસ માટે અત્યાધૂનિક તાલીમ સેન્ટર બનાવાશે. પ્રથમ તબક્કામાં 20 એકરમાં અને ત્યારબાદ બીજા તબક્કામાં 25 એકરમાં કામગીરી કરવામાં આવશે. આ તાલીમ કેન્દ્રમાં લોકરક્ષકથી લઈને પોલીસ અધિકારીઓને પણ તાલીમ અપાશે. અદ્યતન સુવિધા સાથે ટ્રેનિંગ એકેડમીમાં સ્પોર્ટ્સની તમામ એક્ટિવિટી ઓલિમ્પિક કક્ષાની રહેવાની છે. આ સાથે જ સ્પોર્ટ્સ તથા પરેડ ગ્રાઉન્ડ પણ ઓલિમ્પિક લેવલના બનાવવામાં આવશે. ગૃહ વિભાગના અલગ અલગ પ્રભાગો જેવા કે પોલીસ પ્રભાગ, જેલ પ્રભાગ અને હોમગાર્ડ સહિતના બીજા યુનિફોર્મ પોલીસ ફોર્સના અધિકારીઓ અને કર્મચારીઓ રિફ્રેશર ટ્રેનિંગ કોર્સથી લઈને નવા તાલીમ લેનારાને બેઝિક ટ્રેનિંગ અપાશે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ પ્રિઝન્સ એન્ડ કરેકશનલ એડમિનિસ્ટ્રેશન (જીપકો) નું ટ્રેનિંગ સેન્ટર બનાવાશે. આ ટ્રેનિંગ એકેડમી આગામી બે વર્ષમાં શરૂ કરવામાં માટેની તમામ તૈયારી કરી દેવામાં આવી છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, પોલીસ તાલીમ માટેની સ્કુલમાં રહેવા માટેના રૂમ કે જેમાં એસી, ફ્રીઝ અને ટીવી સહિતની વ્યવસ્થા હશે. સાથે જ ડાઈનિંગ હોલ અને કિચન હોલ પણ તૈયાર કરાશે. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સ્વિમિંગપૂલ, જિમ્નેશિયન ઓલિમ્પિક સાઈઝના બનાવાશે. સાથે જ પાર્ટી હોલ, મંદિર, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બિલ્ડિંગ, ફાયરિંગ રેન્જ એરિયા, રિસર્ચ બિલ્ડિંગ તથા ઈન્ટરનેશનલ ફેકલ્ટી દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે. આમ સાબરમતી જેલ નજીક ભારતનું સૌથી આધુનિક ટ્રેનિંગ સેન્ટર બનાવાશે. આ ઈન્સ્ટિટ્યૂટથી ઘણા લોકોને લાભ મળશે. આ કામ બે વર્ષમાં પૂર્ણ કરી દેવામાં આવશે. જેલની અંદર રહેલા વૃક્ષોને કાપવાના બદલે તેને અન્ય જગ્યા પર રિપ્લાન્ટેશન કરવામાં આવશે.