Site icon Revoi.in

રાજ્યના અમદાવાદ સહિત ચાર શહેરોમાં મતદાર નોંધણી અધિકારીઓનો તાલીમ વર્ગ યોજાયો

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીને પાંચ મહિના બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓને મતદાર તરીકે નોંધણી, મતદાર ઓળખપત્રને લગતા નવા ફોર્મ, ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરાવવામાં આવેલા વિવિધ આઈ.ટી. પ્લેટફોર્મ્સ તથા સ્વિપની કામગીરી સહિતની બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.

ભારતના ચૂંટણી પંચ દ્વારા આયોજીત આ વર્કશૉપમાં અમદાવાદ ખાતે અધિક મુખ્ય નિર્વાચન અધિકારી આર.કે. પટેલ, વડોદરા ખાતે સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી અજય ભટ્ટ, રાજકોટ ખાતે સંયુક્ત નિયામક એમ.બી. પંડ્યા તથા સુરત ખાતે હિસાબી અધિકારી સહદેવસિંહ સોલંકી ઉપસ્થિત રહી મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ ભારતીય ચૂંટણી પંચના માસ્ટર ટ્રેનર્સ દ્વારા મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓને ભારતના ચૂંટણી પંચ દ્વારા લાયકાતની તારીખોમાં સુધારો, મતદાર ઓળખપત્ર (EPIC) સાથે આધાર નંબર લીંક કરવાની સુવિધા, સર્વિસ વોટર્સ માટે સુધારા સાથેના નવા ફોર્મ્સ સહિતની વિગતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ વર્કશૉપ દરમ્યાન મુખ્ય નિર્વાચન અધિકારની કચેરીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર તરીકે નામ નોંધણી કરાવવા વર્ષ દરમિયાન લાયકાતની ચાર જુદી-જુદી તારીખો નક્કી કરવામાં આવતાં તા.1લી ઓક્ટોબરના રોજ 18 વર્ષ પૂર્ણ થતા હોય તેવા યુવાનો મતદારયાદીમાં નામ નોંધાવી શકાશે. જેનાથી મહત્તમ યુવા મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થવાનો અવસર મળશે. યુવાનોની મતદાર તરીકે નોંધણી થાય અને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ શકે તે માટે જરૂરી માર્ગદર્શન આપતાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારીએ જણાવ્યું કે, આજના હાઈટેક યુગમાં મોટાભાગનો યુવાવર્ગ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે ત્યારે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ અને ટ્વિટર જેવા લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ થકી ઈ-પોસ્ટર, ઑડિયો-વિડિયો સંદેશ, રિલ્સ વગેરેનો મહત્તમ ઉપયોગ ઈલેક્ટોરલ રોલના કેમ્પેઈનિંગ અને મતદાર જાગૃતિ માટે કરવામાં આવે તો વધુને વધુ યુવાનો સુધી ચૂંટણીલક્ષી શિક્ષણ અને માહિતી ઝડપથી અને સરળતાથી પહોંચાડી શકાશે.

યુવા મતદારોની નોંધણીની સાથે સાથે સ્થળાંતર કરતાં શ્રમિકો, મહિલાઓ, દિવ્યાંગજનો તથા થર્ડ જેન્ડર નાગરિકોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગીતા વધે તે માટે સ્વિપ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ થકી તેમને જાગૃત કરવાની દિશામાં મહત્તમ પ્રયાસો કરવા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો હતો. ચૂંટણી પંચના માસ્ટર ટ્રેનર્સ દ્વારા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓને તેમની કામગીરીને લગતી ERONET અને Garuda ઍપ્લિકેશન, નેશનલ વોટર્સ સર્વિસ પોર્ટલ, વોટર હેલ્પલાઈન ઍપ, પી.ડબલ્યુ.ડી. સહિતની ઍપ્લિકેશનના ઉપયોગ અને ટેક્નિકલ બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.