Site icon Revoi.in

ચૂંટણી સબંધી વ્યવસ્થાપન અંગે જિલ્લા ચૂંટણી અધિકારીઓનો ગાંધીનગરમાં તાલીમ કાર્યક્રમ યોજાયો

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને પૂર્વ તૈયારીરૂપે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને ચૂંટણી પ્રક્રિયા સાથે સંબંધિત વિવિધ પાસાઓની વિસ્તૃત જાણકારી અને માર્ગદર્શન મળી રહે તે માટે ફેસ ટુ ફેસ ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો હતો. બે દિવસીય આ ટ્રેનિંગ પ્રોગ્રામના પ્રથમ દિવસે જિલ્લા ચૂંટણી અધિકારીઓને ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા મહત્વના એવા કાયદો અને વ્યવસ્થા તથા ડિસ્ટ્રીક ઇલેક્શન મેનેજમેન્ટ પ્લાન (DEMP) વિશે ભારતના ચૂંટણી પંચના IIIDEMના નેશનલ લેવલ માસ્ટર ટ્રેનર(NLMT) દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરી વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

ડિસ્ટ્રીક ઇલેક્શન મેનેજમેન્ટ પ્લાન  વિશે વિસ્તૃત માહિતી આપતાં ભારતના ચૂંટણી પંચના IIIDEMના નેશનલ લેવલ માસ્ટર ટ્રેનરએ જણાવ્યું કે, દરેક જિલ્લા ચૂંટણી અધિકારીઓએ ચૂંટણી પ્રક્રિયા સમય દરમિયાન 14 જેટલા પોઇન્ટ્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહે છે. જેમાં ખાસ કરીને મેનપાવર પ્લાન, મુવમેન્ટ પ્લાન, કમ્યુનિકેશન પ્લાન, મટીરીયલ મેનેજમેન્ટ, ટેકનોલોજી યુઝ પ્લાન, પોલીંગ સ્ટેશન, ફોર્સ ડિપ્લોયમેન્ટ પ્લાન, રિસ્ક મેનેજમેન્ટ જેવા વિવિધ પાસાઓને વિચારણામાં લેવાના રહે છે.ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મહત્વની હોય છે તેથી જિલ્લા ચૂંટણી અધિકારીઓએ ચૂંટણી સંબંધી લાગુ પડતા કાયદા અને કાનૂનની જાણકારી મેળવી તેનો યથાયોગ્ય ઉપયોગ કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો. ચૂંટણી સમયે જાહેરખબરોના પૂર્વ-પ્રમાણિકરણ માટે રચવામાં આવતી MCMC કમિટી અને તેની કામગીરી અંગે દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારીઓ માટેના આ બેદિવસીય પ્રોગ્રામના પ્રાસંગિક ઉદબોધનમાં ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું કે, જિલ્લા ચૂંટણી અધિકારીઓ ચૂંટણી પ્રક્રિયા સાથે સીધી રીતે સંકળાયેલા હોવાથી સંપૂર્ણ સજ્જ થઈ સમગ્ર પ્રક્રિયાનું ચીવટપૂર્વક આયોજન કરવા જણાવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીઓ માટેના બે દિવસીય તાલીમ કાર્યક્રમના બીજા દિવસે ICTના ટીમ લીડર્સ સક્ષમકુમારે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા આઈ.ટી. પ્રભાગ વિશે વિસ્તૃત છણાવટ કરી હતી. ECI દ્વારા ચૂંટણી પ્રક્રિયા સબંધી મહત્વની  ENCORE વેબસાઈટ અને તેમાં સમાવિષ્ટ વિવિધ એપ વિશે અધિકારીઓને માહિતી આપી હતી. જે પૈકી નોડલ એપ, ઓબ્ઝર્વર એપ, વોટર ટર્નઆઉટ એપ, બૂથ એપ C-Vigil એપ, વોટર હેલ્પલાઈન એપ તથા ચૂંટણી પરિણામોને લગતી રિઝલ્ટ વેબસાઈટનો ઉપયોગ કરવા અધિકારીઓને જણાવ્યું હતું.

મતદાર જાગૃતિ અને પ્રશિક્ષણ (SVEEP) વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું અને જિલ્લાવાઈઝ તે અંગેની વ્યુહરચના ઘડી કાઢવા જણાવ્યું હતું. ખાસ કરીને જ્યાં મતદારની નોંધણી ઓછી છે અને મતદાન ઓછું છે ત્યાં આ પ્રવૃત્તિઓને વેગ આપવા સુચન કર્યું હતું. નેશનલ લેવલ માસ્ટર ટ્રેનરએ ચૂંટણી પ્રક્રિયામાં મહત્વનો ભાગ ગણાતા ચૂંટણી ખર્ચ મોનીટરીંગ વિશે રસપ્રદ શૈલીમાં અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમના બીજા સેશન દરમ્યાન મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ આગામી વિધાનસભા ચૂંટણીઓને અનુલક્ષીને ચૂંટણી તંત્ર દ્વારા મતદારોની જાગરૂકતા વધે, યુવા મતદારો વધુ સંખ્યામાં મતદાર બને તે માટે હાથ ધરવામાં આવનાર SVEEP (મતદાર જાગૃતિ અને પ્રશિક્ષણ) પ્રવૃત્તિઓ માટેના ‘લૉગો’ને લોન્ચ કર્યો હતો. સાથે જ જિલ્લા ચૂંટણી અધિકારીઓના સાત ગૃપ પાડી તેઓ વચ્ચે ચૂંટણી પ્રક્રિયા સબંધિત ક્વિઝ દ્વારા સ્પર્ધા યોજવામાં આવી હતી. જે પૈકી પાટણ, ખેડા, ભાવનગર અને ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારીઓનું ગૃપ વિજેતા થયું હતું. આ વિજેતા ગૃપને સન્માનિત પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી આર. કે. પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં દરેક જિલ્લા ચૂંટણી અધિકારીઓ તથા ચૂંટણી પ્રભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.