Site icon Revoi.in

એનઆઇએમસીજેમાં વોઇસ ઓવર અને ડબિંગનો તાલીમ વર્કશોપ યોજાયો

Social Share

અમદાવાદ: ફિલ્મ, ટીવી અને ઓટીટીના મનોરંજન અને માહિતી ઉદ્યોગનું અત્યંત મહત્વનું પરિબળ એવા વોઇસ ઓવર અને ડબિંગના પ્રેક્ટીકલ સાથેનો એક મહત્વપૂર્ણ વર્કશોપ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઈએમસીજે), અમદાવાદ ખાતે યોજાઈ ગયો. મુંબઈથી આ વર્કશોપ માટે ખાસ આવેલા સિનિયર વોઈસ ઓવર/ડબિંગ આર્ટિસ્ટ રાજેશ કાવાએ બે દિવસના વર્કશોપમાં ઉપસ્થિત તાલીમાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

વર્કશોપના પહેલા દિવસે રાજેશ કાવાએ તાલીમાર્થીઓને કોઈપણ મનોરંજન કે માહિતીપ્રદ વિડિયો કન્ટેન્ટની વોઇસ ઓવર સ્ક્રિપ્ટ કઈ રીતે તૈયાર થાય છે તે સમજાવ્યું હતું તથા સ્ક્રિપ્ટ વાંચીને વોઇસ ઓવર/ ડબિંગ કરતી વખતે શબ્દોની અને અવાજના આરોહ અવરોહની સમજ કઈ રીતે કેળવવી તેની જાણકારી આપી હતી. આ ઉપરાંત તાલીમાર્થીઓએ સ્ક્રિપ્ટ બનાવીને પ્રેક્ટિસ પણ કરી હતી.

વર્કશોપના બીજા દિવસે તાલીમાર્થીઓએ સંસ્થાના અધ્યતન સ્ટુડિયોમાં સ્ક્રીપ્ટના આધારે ડબીંગ અને વોઇસ ઓવરની પ્રેક્ટિસ કરી હતી. હોલીવુડની ફિલ્મના દ્રશ્યો પર ડબિંગ/ વોઇસ વગરની તાલીમ મેળવી સહુ તાલિમાર્થીઓએ પોતાના વ્યક્તિગત પ્રોજેક્ટ પણ તૈયાર કર્યા હતા. વર્કશોપના અંતે સહુ તાલીમાર્થીઓને સંસ્થા દ્વારા પ્રમાણપત્રો એનાયત કરાયા હતા.