Site icon Revoi.in

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે

Social Share

પાલનપુરઃ  કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠાના વાવ વિધાનસભા સીટ પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોર લોકસભાના સાંસદ બનતા તેમણે વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી. હવે તેના પર પેટાચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. આ જાહેરાત સાથે રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. તા.13મી નવેમ્બરે મતદાન યોજાશે જયારે તા.23મીએ પરિણામ જાહેર કરાશે.

વાવ બેઠકની પેટાચૂંટણી જાહેર થતાં જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠક પર જીત મેળવ્યા બાદ કોંગ્રેસ ફુલફોર્મ છે  જ્યારે ભાજપ માટે પેટાચૂંટણી જીતવી એ પ્રતિષ્ઠાનો સવાલ છે.  આમ તો આ બેઠક પર દ્વી પાંખિયો જંગ ખેલાવવાનો હતો. પણ આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવાર ઊભો રાખવાની જાહેરાત કરતા હવે ત્રિ પાંખિયો જંગ ખેલાશે. આમ આદમી પાર્ટીને લીધે વિરોધી મતોનું વિભાજન થતાં ભાજપને લાભ થશે એવું રાજકીય સમીક્ષકો માની રહ્યા છે.

બનાસકાંઠાની વાવ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકરો 2017માં પ્રથમવાર અને 2022માં બીજીવાર જીત મેળવી હતી. ત્યારબાદ ગેનીબેને લોકસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. લોકસભામાં ચૂંટાયા બાદ વાવ વિધાનસભાના ધારાસભ્ય પદેથી ગેનીબેન ઠાકરે પોતાનું રાજીનામું આપતાં વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાય રહી છે. વાવ વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત સાથે રાજકીય પાર્ટીઓ પણ સક્રિય થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીએ પણ વાવ વિધાનસભાની પેટાચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ડો. રમેશભાઈ પટેલે કહ્યું કે, અમે વાવ વિધાનસભાની પેટાચૂંટણી લડીશું. એટલે કે આ બેઠક પર હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળશે. મહત્વનું છે કે પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે નહીં.