Site icon Revoi.in

નવસારી નજીક હાઈવે પર સફરજન ભરેલી ટ્રકએ પલટી ખાતાં લોકોએ સફરજની લૂંટ ચલાવી

Social Share

નવસારીઃ અમદાવાદ- મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 પર  નવસારી નજીક ધોળાપીપળા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. પૂરફાટ ઝડપે આવતી ટ્રક સામેથી આવતી કારને બચાવવા જતાં  પૂર્ણા નદી નજીક ખાડાંમાં ખાબકી હતી. કારચાલક ઘટના બનતા ત્યાંથી નાસી ગયો હતો. જોકે સમગ્ર ઘટનામાં ડ્રાઇવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. ટ્રકમાં સફરજન ભર્યા હોય કેટલાક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને સફરજનની લૂટ ચલાવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર નવસારી નજીક ધોળાપીપલા ગામ નજીક પૂરફાટ ઝડપે આવી રહેલા સફરજન ભરેલી ટ્રકના ચાલકે સામેથી પૂરફાટ ઝડપે આવી રહેલી કારને બચાવવા જતાં સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. અને ટ્રક પૂર્ણા નદી નજીક હાઈવે સાઈડના ઊંડા ખાડામાં ખાબકી હતી, જો કે આ અકસ્માતમાં ટ્રકના ડ્રાઈવર અને ક્લિનરનો બચાવ થયો હતો. અકસ્માતના બનાવની જાણ થતાં લોકો દોડી આવ્યા હતા. દરમિયાન ટ્રકમાં ભરેલા સફરજન લેવા લોકોએ પડાપડી કરી હતી. અકસ્માતની ઘટનાને લઈને કેટલાક સમય માટે ટ્રાફિક જામ પણ થયો હતો. પરંતુ પોલીસે આવી જતા ટ્રાફિક હળવો કર્યો હતો.

પોલીસની પૂછતાછમાં સામેથી આવતી કારને બચાવવા જતા ટ્રકનો અકસ્માત થયો હોવાની વાત ટ્રકના ડ્રાઈવરે જણાવી હતી ડ્રાઇવરને માથાના ભાગે સામાન્ય ઈજા પહોંચતા તેને સારવાર આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે ગ્રામ્ય પોલીસે અકસ્માત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ નેશનલ હાઇવે નંબર 48 પર વધતા અકસ્માતએ ચિંતામાં વધારો કર્યો છે છાશવારે થતા અકસ્માતથી ટ્રાફિક સેન્સ અંગે પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે.