Site icon Revoi.in

ભચાઉ નજીક હાઈવે પર કોલસી ભરેલી ટ્રકે પલટી ખાતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

Social Share

ભૂજઃ કચ્છમાં મહત્વના બે બંદરો હોવાને લીધે તેમજ લિગ્નાઈટની ખાણ હોવાને લીધે મોટો પ્રમાણમાં માલની હેરાફેરી થતી હોવાથી હાઈવે પર 24 કલાક ટ્રાફિક રહેતો હોય છે. ત્યારે ભચાઉ નજીક હાઈવે પર કોલસી ભરેલી ટ્રક પલટી ખાતાં હાઈવેનો એક તરફનો રસ્તો બ્લોક થઈ ગયો હતો. તેના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

આ બનાવની વિગતો એવી છે કે, ભચાઉ નજીકથી પસાર થતાં નેશનલ હાઇવ પર ગાંધીધામ તરફથી આવી રહેલી કોલસી ભરેલી ઓવરલોડ ટ્રક રોંગ સાઈડમાં આવીને પલટી જતા ભચાઉથી ગાંધીધામ તરફ જતો માર્ગ એક તરફથી બંધ થઈ ગયો હતો અને ટ્રાફિક સર્વિસ રોડ પર ડાયવર્ટ કરાયો છતાં વાહનોની લાંબી કતારો કલાકો સુધી જોવા મળી હતી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પસાર થતા ઓવરલોડ વાહનોને લઈને મુખ્ય માર્ગો ખરાબ થઈ રહ્યા છે તેની સાથે અકસ્માતના બનાવો પણ બનતા રહે છે ત્યારે પોલીસ અને આરટીઓ તંત્ર દ્વારા પસાર થતાં ઓવરલોડ વાહનો પર તંત્ર પાબંદી લાવે તે જરૂરી બન્યું છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ ભચાઉ શહેરમાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના ઓવરબ્રિજ પર ગાંધીધામ તરફથી કોલસી ભરીને આવી રહેલી ઓવરલોડ ટ્રકના ચાલકે એકાએક સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા ઓવરલોડ ટ્રક રોંગ સાઈડમાં આવીને પલટી હતી. જેને લઈને તે રોડ પરથી પસાર થતા વાહનો અટકી ગયા હતા અને કલાકો સુધી ટ્રાફિકજામ રહ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ દ્વારા વાહનોને સર્વિસ રોડ ઉપરથી પસાર કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ  પેટ્રોલિંગ ક્રેઈન દ્વારા પલટી ખાઈ ગયેલા વાહનને દૂર કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.