સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 9મી ડિસેમ્બરથી બે દિવસીય એથલેટિક્સ મીટ સ્પર્ધા યોજાશે
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 9 અને 10 ડિસેમ્બરના રોજ એથલેટીક્સ મીટ સ્પર્ધા યોજાશે જેમાં યુવક-યુવતીઓ માટે 19 ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વખતે પ્રથમ વખત યુવતીઓ માટે વાંસ કૂદ ઇવેન્ટ ઉમેરવામાં આવી છે. જેમા 74 કોલેજના 417 ખેલાડીઓ દોડ, કૂદ, હર્ડલ્સ સહિતની વિવિધ રમતોમાં કરતબ બતાવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ દ્વારા વાર્ષિક ખેલકૂદ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં ભાઈઓ – બહેનો માટે 100, 200, 400, 800, 1500, 5000 અને 10,000 મીટર દોડ, ભાઈઓ માટે 110 મીટર તો બહેનો માટે 100 મીટર હર્ડલ્સ, બંને કેટેગરીમાં 400 મીટર હર્ડલ્સ, લોંગ જમ્પ, હાઈ જમ્પ, ત્રિપલ જમ્પ, વાંસ કૂદ, શોટ પુટ, ડિસ્ક થ્રો, જેવલીન થ્રો, હથોડા ફેંક, 4 બાય 100 મીટર અને 4 બાય 400 મીટર રીલેની ઇવેન્ટ યોજાશે. જેમા આ વખતે 74 કોલેજના 220 બોયઝ અને 197 યુનિવર્સિટીના શારીરીક શિક્ષણ વિભાગની ગર્લ્સ ભાગ લઈ રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી કેમ્પસ પર યોજાનારા ખેલકૂદ મહોત્સવને લઇ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે ભાઈઓ- બહેનો માટે 19 ઇવેન્ટ યોજાવવાની છે જેમાં આ વખતે બહેનો માટે નવી વાંસ કૂદ ઇવેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. યુનિવર્સિટા દ્વારા રમતોત્સવની તૈયારીઓ લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વખતે રમતોત્સવને લીધે વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુનિ. સંલગ્ન 74 કોલેજોના 417 જેટલા સ્પર્ધકો વિવિધ રમતોમાં ભાગ લેશે. વિદ્યાર્થીઓ ઘણા સમયથી રમતોત્સવ માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે. અને રમતવીરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.