Site icon Revoi.in

અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરમાં બે દિવસીય મહોત્સવ, 15 મી એપ્રિલે ભવ્ય શોભાયાત્રા નીકળશે

Social Share

અમદાવાદઃ શહેરના શાહીબાગ ડફનાળા રોડ પર આવેલા સુપ્રસિદ્ધ શ્રી હનુમાનજી મંદિર કેમ્પ ખાતે 15 અને 16 એપ્રિલના રોજ હનુમાનજી જન્મોત્સવ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાશે.જેમાં તા. 15મીએ શોભાયાત્રા અને તા.16મીએ હનુમાનજીનો જન્મોત્સવ ઊજવાશે.

આ કાર્યક્રમોની માહિતી આપતા શ્રી હનુમાનજી મંદિર કેમ્પનાં ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે, હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણે ત્યાં રીવાજ છે કે આપણા ઘરમાં કોઈપણ સામાજિક સારૂ કાર્ય કરાતું હોય તો આપણે આપણા ઘરના વડીલોની અનુમતિ લઈએ છીએ.એ જ પ્રમાણે 16 એપ્રિલને શનિવારના ચૈત્ર સુદ પુનમના રોજ શ્રી હનુમાનજી ભગવાનના જન્મોત્સવની શ્રી હનુમાનજી મંદિર કેમ્પ ખાતે યોજવાની અનુમતિ લેવા માટે જન્મોત્સવના આગલા દિવસે શ્રી હનુમાનજીના પિતા શ્રી વાયુદેવતા મંદિર, વાસણા ખાતે શોભાયાત્રારૂપી અમો જઈએ છીએ અને જન્મોત્સવ મનાવવાની અનુમતિ લઈને આવીએ છીએ. એટલે આ અનુમતિ રૂપી શોભાયાત્રાનું તારીખ 15મી એપ્રિલને શુક્રવારે સવારે  7.30  કલાકે કેન્ટોનમેન્ટના જીઓસી તથા પ્રમુખ ટ્રસ્ટી સુધીરભાઈ નાણાવટી દ્વારા ધાર્મિક વિધિ સંપન્ન થયા બાદ શ્રી હનુમાન કેમ્પથી પરંપરાગત યાત્રાની શરૂઆત થશે.

આ શોભાયાત્રા આશરે 7 ટેબ્લો કે જે ધાર્મિક, સામાજિક જ્ઞાન આપતા હશે. આ શોભાયાત્રાનો મુખ્ય રથ જે ખાસ ડીઝાઇનથી બનાવવામાં આવેલ છે. તેની પાછળ એક વાહનમાં તોપ હશે. તેની સાથે 14 સુશોભિત ટ્રકો હશે તથા 5 નાના સુશોભિત વાહનો હશે. યાત્રા સાથે 150 થી 200 ટુ વ્હીલર તથા 50 ફોર વ્હીલર જોડાશે. શોભાયાત્રામાં ખાસ વિશેષ અવનવા કરતબો સાથેનો એક અખાડો પણ જોડાશે તથા નાસિક ઢોલ, ઘંટ અને ઝાલર વગાડતા વગાડતા આ શોભાયાત્રા આગળ વધશે. શોભા યાત્રાની સાથે સાથે એક ટીમ સમગ્ર રૂટ પર પ્રસાદનું વિતરણ કરશે. શ્રી હનુમાનજી મંદિર કેમ્પની આ શોભાયાત્રાનું 40 જગ્યાએ સ્વાગત થશે અને ત્યાં શ્રી હનુમાન ચાલીસાના પાઠનું પઠન થતું રહેશે.

આ શોભાયાત્રા શ્રી હનુમાનજી મંદિર કેમ્પ શાહીબાગથી, સુભાષબ્રીજ, જુના વાડજ, ઉસ્માનપુરા, ઇન્કમટેક્ષ, આશ્રમ રોડ, શ્રી વલ્લભ સદન, વી.એસ. હોસ્પિટલ, પાલડી ભટ્ઠા, ચંદ્રનગર થઈને વાસણા શ્રી વાયુદેવાતાજીના મંદિરમાં વિશ્રામ કરી ચંદ્રનગર, અંજલી ચાર રસ્તા, ધરણીધર, નહેરૂનગર, સહજાનંદ કોલેજ, વિજય ચાર રસ્તા, નવરંગ સ્કુલ, સરદાર પટેલ બાવલા, ઉસ્માનપુરા થઇ નિજ મંદિર પરત આવશે.

શોભાયાત્રા બપોરના આશરે 12 થી 12.30 કલાકે શ્રી વાયુદેવતા મંદિર, વાસણા પહોચશે. શ્રી વાયુદેવતા મંદિરે પૂજા થશે અને છપન્નભોગ ધરાવાશે અને ત્યારબાદ પ્રસાદરૂપે ભંડારાનું આયોજન ધર્મપ્રેમી દર્શનાથીઓ માટે કરવામાં આવ્યુ છે. શોભાયાત્રા બપોરના વિરામ બાદ બપોરે 2 કલાકે શ્રી વાયુદેવતા મંદિરથી નિજ મંદિર તરફ પરત ફરશે. જે આશરે સાંજે 7 કલાકે નિજ મંદિર પહોંચશે.

શ્રી હનુમાનજી મંદિર કેમ્પના ટ્રસ્ટીઓએ વધુમાં 16 એપ્રિલે જન્મોત્સવ અંગેના કાર્યક્રમો વિષે માહિતી આપતા જણાવ્યું કે, શનિવાર ચૈત્ર સુદ પૂનમને શ્રી હનુમાનજી જન્મોત્સવ નિમિતે કેમ્પ મંદિર ખાતે વહેલી સવારે મંગળા આરતી, સવારે 7.00 થી 9.00 સુન્દર કાંડનો પાઠ, સવારે 10.00 કલાકે હનુમાન જન્મોત્સવ શુભોભીત શ્રી હનુમાનજી મંદિર કેમ્પમાં ફૂલો ઉછાળીને અવસર મનાવાશે અને ત્યારબાદ સવારે 10.30 કલાકે પ્રકાંડ પંડિતો દ્વારા મારૂતિ યજ્ઞનો પ્રારંભ થશે. સવારે 11 કલાકે ધ્વજારોહણ અને 11.30 કલાકે મહાપ્રસાદના ભંડારાનો પ્રારંભ થશે અને પ્રસાદનું વિતરણ થશે.