ભાવનગરઃ બોટાદ અને ભાવનગર જિલ્લામાં સાંસદ ખેલ મહોત્સવ -2023નું કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવીયા અને સાંસદ ડો.ભારતીબેન શિયાળ દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે, સાંસદ ખેલ મહોત્સવ આગામી તા.29મી સપ્ટેમ્બરથી બે દિવસીય યોજાશે. જેમાં 100 મીટર દોડ, 50 મીટર દોડ, લાંબી કૂદ, ઉંચી કૂદ, ગોળા ફેંક, લીંબુ ચમચી, ખો ખો, શૂટિંગ બોલ, કબ્બડી, વોલીબોલ, રસ્સાખેંચ, સ્લો સાઇકલ, સંગીત ખુરશી, સિક્કા શોધ સહિતની સ્પર્ધા યોજાશે.
કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવીયાએ જણાવ્યું હતુ. કે, ભાવનગર જિલ્લામાં આગામી તા.29-30 સપ્ટેમ્બરના રોજ સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાવનગર જિલ્લાના 10 અને બોટાદ જિલ્લાના 4 તાલુકાઓ મળી કુલ 14 તાલુકાઓમાં ખેલસ્પર્ધાઓ યોજાયા બાદ જિલ્લા કક્ષાની ખેલસ્પર્ધા ભાવનગર ખાતે યોજાશે. જેમાં તા.21-22/9/23 ના શક્તિ કેન્દ્ર સ્પર્ધા, તા.23-24/9/23 ના રોજ તાલુકા/ઝોન સ્પર્ધા અને તા.29-30/9/23 ના રોજ જિલ્લા કક્ષાની ખેલ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં 100 મીટર દોડ, 50 મીટર દોડ, લાંબી કૂદ, ઉંચી કૂદ, ગોળા ફેંક, લીંબુ ચમચી, ખો ખો, શૂટિંગ બોલ, કબ્બડી, વોલીબોલ, રસ્સાખેંચ, સ્લો સાઇકલ, સંગીત ખુરશી, સિક્કા શોધ સહિતની રમતો રમાડવામાં આવશે. ભાવનગર શહેરના 120, ભાવનગર ગ્રામ્યના 306 અને બોટાદના 102 મળી કુલ 528 શક્તિ કેન્દ્રો ખાતે તા.21-22/9/22 ના રોજ રમતો રમાડવામાં આવશે અને ત્યારબાદ વિજેતા ટીમને તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ રમતો રમાડવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સાંસદ ખેલ મહોસ્તવમાં વ્યક્તિગત અને ટીમ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે. આ સાંસદ ખેલ મહોત્સવમાં બાળકોથી લઈ વયોવૃદ્ધ પણ જોડાઈ શકે તે પ્રકારની રમતો રમાડવામાં આવશે. જેમાં 15 થી 20 વર્ષ, 21 થી 35 વર્ષ, 36 થી 50 વર્ષ અને 51 થી ઉપરની ઉંમરના એમ કુલ ચાર વય ગ્રુપમાં રમત રમાડવામાં આવશે. રમતમાં વિજેતા થયેલા ખેલાડીઓને મેડલથી સન્માનિત કરવામાં આવશે.