અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર અને હાઇકોર્ટના ન્યાયાધીશોના માર્ગદર્શન અન્વયે નેશનલ જ્યુડીશીયલ કોન્ફરન્સનું ગુજરાત હાઇકોર્ટ દ્વારા તારીખ 9 અને 10 એપ્રિલ, 2022ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયા કોલોનીના ટેન્ટ સીટી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમણ આ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે. માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રી કિરણ રિજિજુ અને જસ્ટીસ એલ. નાગેશ્વર રાવ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
9 એપ્રિલ 2022ના રોજ મધ્યસ્થીકરણ વિષય પર ત્રણ સત્રો યોજાશે. જ્યારે 10 એપ્રિલ, 2022ના રોજ ઈન્ફર્મેશન ટેકનોલોજી વિષય પર બે સત્રો યોજાશે. ડો. જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ, ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અને ભારતની સર્વોચ્ચ અદાલતની ઈ-કમીટીના અધ્યક્ષ “ ફ્યૂચર ઓફ જસ્ટીસ – ટેકનોલોજી અને જ્યૂડિશિયરી” વિષય પર કોન્ફરન્સના બીજા દિવસે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સભાને સંબોધશે.
મધ્યસ્થીકરણ પરના સત્રોમાં વાણિજ્યિક મધ્યસ્થીકરણ વિશેની વિગતો અને તેના લાભાર્થીઓને થતા લાભો ઉપરાંત કોર્ટ સાથે જોડાયેલી મધ્યસ્થીકરણ સંબંધિત પાસાઓને પણ આવરી લેવામાં આવશે. કેસ દાખલ કરતા પહેલાની મધ્યસ્થીકરણની પ્રકિયા અને લાભો તેમજ ઓનલાઈન મધ્યસ્થીકરણ પર પણ ચર્ચા કરવામાં આવશે.
આ કોન્ફરન્સમાં તમામ મુખ્ય ન્યાયાધીશો અને વરિષ્ઠ ન્યાયાધીશો સાથે વિવિધ હાઇકોર્ટના ઇન્ફોર્મેશન ટેકનોલોજીના રજીસ્ટ્રારો પણ હાજર રહેશે. આ કોન્ફરન્સના વિષયો મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર દ્વારા ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશો સાથે પરામર્શ કરીને પસંદ કરવામાં આવ્યા છે. જેથી કરીને ખુબ જ સુસંગત તેમજ સમકાલીન વિષયો પર વિચારો અને અનુભવનું શ્રેષ્ઠતમ આદાન-પ્રદાન થઇ શકે અને ન્યાય પ્રણાલીને વધુ ઉત્કૃષ્ટ બનાવી શકાય.