પાલનપુરઃ સોસાયટી ઓફ એક્સટેન્શન એજયુકેશન, ગુજરાત અને દાંતિવાડા કૃષિ યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે ઇનોવેટીવ, એગ્રીકલ્ચરલ એક્સટેન્શન એપ્રોચીઝ ફોર હોલીસ્ટીક ડેવલપમેન્ટ ઓફ ફાર્મિંગ કોમ્યુનિટી” વિષય પર તા. 06 અને 07 જાન્યુઆરી 2024 ના રોજ બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદનું કૃષિ વિશ્વ વિદ્યાલયના કૂલપતિ ડો. આર. એમ. ચૌહાણની અધ્યક્ષતામાં ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું.
ઇનોવેટીવ, એગ્રીકલ્ચરલ એક્સટેન્શન એપ્રોચીઝ ફોર હોલીસ્ટીક ડેવલપમેન્ટ ઓફ ફાર્મિંગ કોમ્યુનિટી” વિષય પરના આ પરિસંવાદમાં કૂલપતિ ડો. આર. એમ. ચૌહાણે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, કૃષિ યુનિવર્સિટી વિસ્તરણ અને કૃષિ શિક્ષણમાં ખૂબ જ સારી કામગીરી કરે છે. ત્યારે વધુમાં વધુ ખેડૂતોને લાભ મળે તે માટે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો તેમજ વિસ્તરણ કાર્યકરોને પ્રયત્નો કરવા જોઈએ. આજે સોશ્યલ મીડિયાનો જમાનો છે. ત્યારે માસ મીડીયાના માધ્યમ થકી ખેડૂતોને ઉપયોગી માહિતી પહોંચાડવી જોઈએ. તેમજ દત્તક ગામોમાં ખેડૂતોનો સાર્વજનિક વિકાસ કરી, રાજ્ય કક્ષાએ આદર્શ ગામ બનાવવા તેમજ એફ.પી.ઓ દ્વારા ખેડૂતો બીજ ઉત્પાદન કરી તેમના ઉત્પાદનના વધુ બજારભાવ મેળવે તેવી કામગીરી કરવા સૂચન કર્યું હતું.
ડો.એમ.આર. ભટ્ટ, ઉપપ્રમુખ, સીગ, દ્વારા પ્રાસંગિક પ્રવચનમાં સોસાયટીની શરૂઆતથી અત્યાર સુધી થયેલી કામગીરીનો પરિચય આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ ડો.જે.બી. પટેલ, સચિવ, સીગ દ્વારા સોસાયટીની કાર્યસિદ્ધિ અને પ્રગતિની સાથે સાથે હાલમાં થતી કામગીરી અંગેની માહીતી આપવામાં આવી હતી. આ સમારોહના મુખ્ય મહેમાન ડો.આર.ડી.પંડયા દ્વારા આ પરિસંવાદથી જે પણ તારણ આવે તેમાંથી ખેડૂતોને વધારેમાં વધારે ફાયદો થાય તેવા પ્રયત્નો કરવા આહ્વાન કર્યું હતું.
આ રાષ્ટ્રીય પરિસંવાદમાં સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા વૈજ્ઞાનિકો, પ્રાધ્યાપકો, રિસર્ચ સ્કૉલર, વિદ્વાનો, ખેડૂતો, વિદ્યાર્થીઓ એમ કુલ મળી 400 થી વધારે વ્યક્તિઓએ ભાગ લીધો હતો. આ પરિસંવાદમાં કુલ 30 લીડ પેપર, 284 એબસ્ટ્રેક પેપર અને 8 ખેડૂત સફળ વાર્તાઓ રજૂ કરવામાં આવી હતી. આ પરિસંવાદમાં વૈજ્ઞાનિકો, વિધાર્થીઓ અને પ્રગતીશીલ ખેડૂતોને વિવિધ કક્ષાના એવાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. પરિસંવાદમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પરિસંવાદના કંપોન્ડીયમ બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.