પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે તમિલનાડુના વિદ્યાર્થીએ બનાવી અનોખી સાયકલ
- સૌર ઊર્જાથી ચાલતી સાયકલ ડિઝાઈન
- એકવાર ચાર્જ કર્યાં બાદ ચાલે છે 50 કિમી સુધી
- 50 કિમીના પ્રવાસનો ખર્ચ માત્ર રૂ. 1.50
બેંગ્લોરઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલા વધારાને પગલે વાહન ચાલકોના ખિસ્સાને અસર પડી રહી છે. દરમિયાન તમિલનાડુમાં મદુરાઈ કોલેજના ધનુષ નામના એક વિદ્યાર્થીએ સૌર ઊર્જાથી ચાલતી ઈલેકટ્રીક સાઈકલ ડિઝાઈન કરી છે. સોલર પેનલની મદદથી સાઈકલ સતત 50 કિમી ચલાવી શકાય છે. ધનુષ કુમારની આ કામગીરીના લોકો વખાણ કરી રહ્યાં છે. હાલ મોટાભાગના લોકો ધનુષ અને તેની ઈ-સાઈકલની ચર્ચા કરી રહ્યાં છે. તેમજ સોશિયલ મીડિયામાં પણ લોકો ધનુષની ચર્ચા કરી રહ્યાં છે.
આ સાઈકલમાં બેટરીના ઉપયોગમાં જરુરી વિજળીની કીંમત પેટ્રોલની કિંમતની સરખામણીએ ખુબ જ ઓછી છે. 50 કિમી સુધીના પ્રવાસ કરવામાં રૂ. 1.50નો ખર્ચ થાય છે. આ સાઈકલ 30-40 કિમીની ઝડપથી પ્રતિકલાક દોડે છે. આ ઈ-સાઈકલ બનાવવામાં 12 વોલ્ટની ચાર બેટરી, એક 350 વોટની બ્રુશ મોટર, ગતિ નિયંત્રણ માટે મોપેડની જેમ એક્સીલેટર અને બેટરી ચાર્જ કરવા માટે 20 વોટની બે સોલર પેનલ લગાવવામાં આવી છે. આ અંગે ધનુષે જણાવ્યું હતું કે, સાઈકલ એકવાર ચાર્જ કર્યાં બાદ ચાલક 20 કિમીથી વધુની યાત્રા કરી શકે છે.
તમિલનાડુના વિદ્યાર્થીએ બનાવેલી અનોખી સાયકલના ફોટો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. લોકો સોશિયલ મીડિયામાં વિદ્યાર્થીના કામગીરીના વખાણ કરી રહ્યાં છે. તેમજ અનેક લોકો તેનો સંપર્ક નંબરની પણ માંગણી કરી રહ્યાં છે.
(Photo - Social Media)