- આ ગેજેટથી તબીબોને થશે ફાયદો
- ચાર્જ કર્યાં બાદ છ કલાક સુધી કરી શકાય છે ઉપયોગ
- તબીબ માતા-પિતા પાસેથી વિદ્યાર્થીને મળી પ્રેરણા
મુંબઈઃ ભારત સહિત દુનિયાના મોટાકભાગના દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. કોરોના કાળમાં હવે માસ્ક જીવનનો એક ભાગ બની ગયો છે. દરમિયાન કેરળના બીટેકના એક વિદ્યાર્થીએ એક અનોખી શોધ કરી છે. વિદ્યાર્થીએ માઇક-સ્પીકરવાળા માસ્કની રચના કરી છે. આ માસ્ક માત્ર ત્રીસ મિનિટ ચાર્જ કર્યા પછી સતત ચારથી છ કલાક સુધી ઉપયોગ કરી શકાય છે.
કેરળના થ્રિસુરમાં બીટેક ફર્સ્ટ યરના વિદ્યાર્થી કેવિન જેકબે માઇક અને સ્પીકરવાળા માસ્કની રચના કરી છે. વિદ્યાર્થીના માતા-પિતા ડોક્ટર છે અને કોરોના કાળમાં તેમને દર્દીઓ સાથે વાતચીતમાં મુશ્કેલીઓ નડતી હતી. જેથી તેણે આ માસ્ક બનાવ્યો હોવાનું જાણવા મળે છે. વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, રોગચાળાની શરૂઆત થઈ ત્યારથી માતા-પિતાને દર્દીઓ સાથે વાતચીત કરવામાં કેટલીક મુશ્કેલીઓ નડતી હતી. ફેસ માસ્ક સહિત અનેક સ્તરો પહેરીને પોતાનો દ્રષ્ટિકોણ સમજાવો. તે ખૂબ મુશ્કેલ થઈ રહ્યું હતું. જેથી મને આવા માસ્ક બનાવવાનો વિચાર આવ્યો. વિદ્યાર્થીએ માસ્ક બનાવ્યા બાદ સૌ પ્રથમ માતા-પિતાની મદદથી તેનું પરિક્ષણ કર્યું હતું. જેમાં સફળતા મળી હતી. હવે અનેક લોકો આવા માસ્કની ડિમાન્ડ કરી રહ્યાં છે. જેથી તેમના માટે પણ માસ્ક બનાવવાનું શરૂ કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીએ કરેલી અનોખી શોધથી કોરોના પીડિત દર્દીઓની સારવાર કરતા તબીબોને ફાયદો થશે. તેઓ સરળતાથી દર્દીઓ સાથે સંવાદ કરી શકશે.