Site icon Revoi.in

જામનગરમાં છેલ્લા 6 દાયકાથી શાસ્ત્રીય સંગીતના તાલે રમાય છે અનોખા ગરબા

Social Share

જામનગરઃ શહેરમાં દરેક સોસાયટીઓ, શેરીઓ તેમજ પાર્ટીપ્લોટ્સમાં નવરાત્રિના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના બર્ધન ચોક વિસ્તારમાં મારૂ કંસારા વલ્લભી સંપ્રદાયના મહાકાળી માતાજી ગરબી મંડળ દ્વારા છેલ્લા 60 વર્ષથી શાસ્ત્રીય સંગીત પર ગરબીનું આયોજન કરવામાં આવે છે. આજના આધુનિક યુગમાં ડીજે અને લાઈવ ઓર્કેસ્ટ્રાને બદલે સંપૂર્ણપણે શાસ્ત્રીય સંગીતમાં આદિત્ય ધરાનાના કલાકારો દ્વારા સંગીત રજૂ કરવામાં આવે છે. ગરબીમાં અલગ અલગ રાસ બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવે છે. મહત્વનું છે કે જામનગરની આ એકમાત્ર ગરબી છે કે જ્યાં સંપૂર્ણપણે શાસ્ત્રીય સંગીત પર દીકરીઓને ગરબા રમાડવામાં આવી રહ્યા છે.

જામનગરમાં નવરાત્રીનો માહોલ જામ્યો છે.  ડીજે અને લાઈવ ઓર્કેસ્ટ્રાની મોજ વચ્ચે શહેરમાં એક અનોખા ગરબાનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 60 વર્ષથી શહેરના  બર્ધન ચોક વિસ્તારમાં મારૂ કંસારા વલ્લભી સંપ્રદાયના મહાકાળી માતાજી ગરબી મંડળ  દ્વારા એક અનોખા ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે.છેલ્લા 60 વર્ષથી શાસ્ત્રીય સંગીત પર ગરબાનું આયોજન કરવામાં આવે છે. સંપૂર્ણપણે શાસ્ત્રીય સંગીતમાં આદિત્ય ઘરાનાના કલાકારો દ્વારા સંગીત રજૂ કરવામાં આવે છે. ગરબીમાં બાળાઓ દ્વારા અલગ અલગ રાસ રજૂ કરવામાં આવે છે. મહત્વનું છે કે જામનગરની આ એકમાત્ર ગરબી છે કે જ્યાં સંપૂર્ણપણે શાસ્ત્રીય સંગીત પર દીકરીઓને ગરબા રમાડવામાં આવી રહ્યા છે.

આ ગરબીમાં હર હર મહાદેવ, વરસે ભલે વાદળી, કનૈયા બાસુરી બજાએ સહિતની 36 કૃતિ રજૂ કરવામાં આવે છે. જેમાંથી સૌથી લોકપ્રિય કૃતિ વરસે ભલે વાદળી છે. આ ગરબીની મુલાકાત દિગ્વિજયસિંહ બાપુ અને જગતગુરુ શંકરાચાર્ય સહિત અનેક મહાનુભવોએ લીધી છે. ગરબીનો લ્હાવો લેવા 250 થી વધુ લોકો રોજ ઉમટે છે. અહીં 8 થી 19 વર્ષની બાળાઓ ગીતને જીલે છે. આ ગરબી સંપૂર્ણ શાસ્ત્રીય સંગીત પર આધારિત છે. જેમાં આદિત્ય ઘરાનાના સંગીતકાર અલગ અલગ ગરબા ગાઇને સંગીત આપે છે.

શાસ્ત્રીય સંગીત પરની નવરાત્રીની ખાસિયત એ છે કે અહીં 8 વર્ષથી 19 વર્ષની બાળાઓ જ ભાગ લઈ શકે છે. ઉપરાંત શાસ્ત્રીય સંગીતના તાલે ગરબા લેવાના હોય છે. ખાસ કરીને મારું કંસારા સમાજની દીકરીઓ જ અહીં ગરબા રમી શકે છે. આ વર્ષો જૂની પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવી છે. એક બાજુ ડીજેના તાલે ખૂબ ઘોંઘાટવાળા ગરબા જોવા મળી રહ્યા છે, તો બીજી બાજુ પ્રાચીન સંસ્કૃતિને સાચવવી અને અર્વાચીન ગરબીઓ પણ હજુ હયાત જોવા મળી રહી છે. જેનો એક દાખલો જામનગરની મારું કંસારા ગરબી છે.