Site icon Revoi.in

ગાંધીનગરના પાલજ ગામે અનોખી હોળી,અંગારા પર ઉઘાડે પગે ચાલવાની પરંપરા

Social Share

અમદાવાદ: ગાંધીનગરના પાલજ ગામે ફાગણી સુદ પૂનમને હોળીના દિવસે પ્રગટાવવામાં આવતી હોળીનું વિશેષ મહત્વ છે. હોળી પ્રગટાવીને તેના અંગારાઓ પર ઉઘાડા પગે ચાલવાની વર્ષો જુની પરંપરા છે. નવાઇની વાત એ છે કે ઘગઘગતા અંગારાઓ પર બાળકોથી માંડીને મોટેરાઓ સૌ કોઇ ઉઘાડા પગે ચાલી નીકળતા હોવા છતા તેઓ દાઝતા હોતા નથી.આજની પેઢી માટે ચમત્કાર લાગતી આ બાબત આ ગામના લોકો માટે તો શ્રદ્ધા અને તેઓના વડવાઓના સમયથી ચાલી આવતી એક પરંપરા હોવાનું કહેવાય છે.

હોળી પ્રાગટ્યની અનોખી આ પરંપરાને નીહાળવા માટે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો પાલજ ગામે આવતા હોય છે. અસત્ય પર સત્યના વિજયને સાર્થક કરતી હોલીકા દહનની ભક્ત પ્રહલાદ સાથે જોડાયેલી પૌરાણીક કથા દર વર્ષે ફાગણી સુદ પૂનમે પ્રગટાવવામાં આવતી હોળીની પરંપરા સાથે સંકળાયેલી છે. આ દિવસે ગામે ગામ અને શહેરોમાં હોળી પ્રગટાવવામાં આવતી હોય છે. અને તેની પ્રદક્ષિણા કરીને પૂજા કરાતી હોય છે. પાલજ ગામે હોલીકા દહન વખતે અંગારાઓ પર ચાલવાની પ્રથા છે.

આ અંગે ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં મહાકાળી માતાનું મંદિર છે તેના સતના કારણે ઘગઘગતા અંગારાઓ પર ચાલવા છતા આજદીન સુધી એકપણ શ્રદ્ધાળુને સામાન્ય ઇજા પણ થવા પામી નથી. હોળીના દિવસે મોડી સાંજે સાત વાગ્યે હોળી પ્રગટાવવામાં આવતી હોય છે. તે પહેલા ગ્રામજનોને એકત્ર કરવા માટે સાદ પડાતો હોય છે. પાંચેક હજારની વસ્તી ધરાવતા આ ગામમાં તે દિવસે ઘેરઘેર લાડવા બનાવીને ઉજાણી કરાતી હોય છે.