નવી દિલ્હીઃ ઈન્ટરનેટનો ઉપયોગ વધવાની સાથે અનેક ઓનલાઈન ગેમ રમનારાઓની સંખ્યામાં વધારો થયો છે. દરમિયાન ગેમ રમતી વખતે યુવક અને યુવતી વચ્ચે પ્રેમ થઈ જવાની ઘટના અવાર-નવાર સામે આવે છે. જો કે, ઓનલાઈન ગેમીંગ દરમિયાન ભારતીય યુવાન અને પાકિસ્તાની યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. એટલું જ નહીં પ્રેમીને પામવા માટે પ્રેમિકા સરહદના વાડા ક્રોસ કરીને ગેરકાયદે રીતે ભારત આવી હતી. આ ઉપરાંત પ્રેમી સાથે બેંગ્લોર સાથે રહેતી હતી. બંને પ્રેમી પંખીડા લગ્ન કરીને ઘરસંસાર વસાવે તે પહેલા જ પોલીસે બંનેને ઝડપી લીધા હતા. ગેરકાયદે રીતે ભારતમાં પ્રવેશ બદલ યુવતી અને તેમને મદદ કરવા બદલ પ્રેમી યુવાનની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી આરંભી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશનો 26 વર્ષિય યુવાન મુલાયમસિંહ યાદવ બેંગ્લોરની એક ખાનગી કંપનીમાં સુરક્ષા કર્મચારી તરીકે નોકરી કરે છે. મુલાયમસિંહ છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન ગેમીંગ એપ્સ લુડો રમતો હતો. ગેમ રમતા રમતા યુવાન પાકિસ્તાનની 19 વર્ષિય યુવતી ઈકરા જીવાની (રહે, હૈદરાબાદ, પાકિસ્તાન)ના સંપર્કમાં આવ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. તેમજ બંને લગ્ન કરવા માંગતા હતા પરંતુ બંનેના દેશ અલગ હોવાથી કેટલીક મુશ્કેલીઓ ઉભી થઈ હતી. જો કે, પ્રેમી પંખીડાએ તમામ મુશ્કેલી પાર કરીને લગ્ન કરીને સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો.
મુલાયમના કહેવા અનુસાર પાકિસ્તાની યુવતી સપ્ટેમ્બર 2022માં નેપાળના કાઠમાંડુ થઈને ગેરકાયદે રીતે ભારતમાં પ્રવેશી હતી. એટલું જ નહીં આ પ્રેમી પંખીડા બેંગ્લોરના બેલંદુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક લેબર ક્વાર્ટરમાં રહેતા હતા. જો કે, તેમનું સત્ય સામે આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. જેથી પોલીસે બંનેની અટકાયત કરી હતી. તેમજ યુવતીને ફોરેન રીજનલ રજિસ્ટ્રેશન ઓફિસને હવાલે કરી હતી. આ ઉપરાંત બોગસ દસ્તાવેજ બનાવવા અને ગેરકાયદે રીતે વસવાટ કરવા મામલે ફરિયાદ નોંધીને યુવાનની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.